નીટ પેપરલીક મામલે કોંગ્રેસના ધરણા રેલી – પોલીસ સાથે ઘર્ષણ – અમીત ચાવડા સહિત નેતાઓ – કાર્યકરોની ટીંગાટોળી – અટક માહોલ ગરમાયો
અમદાવાદ: નીટ પેપરલીક મામલે આંદોલન અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પાટનગર દિલ્હીમાં વિદ્યાર્થી-રાજકીય લડત ગુજરાત સુધી પહોંચી જ છે. અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેના કાર્યક્રમો યોજાતા 2000 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયના ગેટ બંધ કરાવી દેવાયા હતા.

કોંગ્રેસના કાર્યક્રમ દરમ્યાન કાર્યકરો તથા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. નીટ પેપરલીક કૌભાંડ તથા આંદોલનકારી છાત્રો પર લાઠીચાર્જ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અટકાયત સહિતના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસે ધરણા-રેલી યોજી હતી અને આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
પ્રદેશ કાર્યાલય પર ધરણામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. જ્યાંથી રેલી કાઢવામાં આવી હતી. ચાર રસ્તા પાસે જ પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતાં કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા.
તેઓને નીચે ઉતારવા પોલીસે પણ વાહનો પર ચડવું પડ્યું હતું. પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. ત્રણ બસ ભરીને કાર્યકરોને ઉઠાવી જવામાં આવ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ પાસે ધરણા પ્રદર્શન કર્યાના વિરોધમાં અમદાવાદમાં ભાજપે કોંગ્રેસ કાર્યાલયને ઘેરાવ-ધરણાના કાર્યક્રમનું એલાન કર્યું હતું. તેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ-કાર્યકરો હાજરી આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
ભાજપના આ કાર્યક્રમને પગલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોંગ્રેસ કાર્યાલયના ગેટ બંધ કરાવીને નેતા-કાર્યકરોને બહાર નહીં નીકળવાની સુચના આપવામાં આવી હતી.
2000 પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે મજબુત કિલ્લેબંધી કરવામાં આવી હતી. સીટી પોલીસ ક્રાઇમ બ્રાંચ ઉપરાંત એસઆરપી બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કોંગ્રેસ કાર્યાલય આસપાસના તમામ એન્ટ્રી-એક્ઝીટ રૂટ પર બંદોબસ્ત રખાયો હતો.
અમદાવાદમાં કોંગ્રેસ-ભાજપ બન્નેના સામસામા કાર્યક્રમોને પગલે માહોલ ગરમાયો હતો અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી સુરક્ષા રાખવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થિતિની સમીક્ષા કરી હતી.
