નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકાર સંસદમાં સિમાંકન સહિતના ખરડા મંજુર કરાવવા બે તૃતીયાંશ બહુમતી માટે આગળ વધી રહી છે તે સમયે એનસીપીના શ્રી શરદ પવાર તથા તેમના સાંસદ પુત્રી સુપ્રીયા સુલે આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતા રાજકીય અટકળો તેજ બની ગઈ છે.
શ્રી પવાર અને શ્રી મોદીના સંબંધો ખૂબજ નજીકના અને ગાઢ છે તથા શ્રી મોદી પણ આ સિનીયર નેતા પ્રત્યે સન્માન ધરાવે છે. આજે તેઓ પીએમને મળવા જતા ખુદ વડાપ્રધાન મોદી સામે ચાલીને પવારને તેમની ઓફીસમાં હાથ પકડીને લાવ્યા હતા.

તેમની સામે સુપ્રીયા સુલે પણ વાતચીતમાં જોડાયા. માનવામાં આવે છે કે શરદ પવારનું એનસીપી જૂથ એનડીએમાં જોડાશે. જો કે અગાઉ ભાજપે બન્ને એનસીપી એક થઈ જાય તેવી શરત મુકી છે.
તે વચ્ચે આજની બેઠક મહત્વની ગણાય છે અને હવે આગામી દિવસોમાં આ અંગે કોઈ સંકેત મળી શકે છે. શરદ પવાર એ પણ ઈચ્છે છે કે તેમના પુત્રી સુપ્રીયા સુલેને મોદી સરકારમાં સ્થાન મળે.
