HomeAllકેન્દ્રનો વિચાર: અદાણી-જીએમઆર સહિત એરપોર્ટ ઓપરેટરને એરલાઈનની છૂટ

કેન્દ્રનો વિચાર: અદાણી-જીએમઆર સહિત એરપોર્ટ ઓપરેટરને એરલાઈનની છૂટ

એવીએશન અને કાનૂન મંત્રાલય સંયુક્ત અભ્યાસ બાદ રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલયને મોકલી શકે – હમણાં ઈન્ડિગો અને એર ઈન્ડિયાનો મોટો હિસ્સો

નવી દિલ્હી: દેશમાં એરપોર્ટનું સંચાલન કરતી કંપનીઓને પોતાની એરલાઈન શરૂ કરવાની મંજૂરી આપવા કેન્દ્ર સરકાર નીતિમાં ફેરફાર પર વિચારણા કરી રહી છે. હાલના નિયમો મુજબ એરપોર્ટનું સંચાલન કરનાર કંપનીઓ એરલાઈન્સ ચલાવી શકતી નથી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને કાનૂન મંત્રાલય આ મુદ્દે સંયુક્ત રીતે અભ્યાસ કરી રહ્યા છે અને બાદમાં રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલયને મોકલાઈ શકે છે.

સૂત્રો મુજબ હવાઈ સેવાઓમાં સ્પર્ધાત્મક માહોલ મજબૂત કરવા ક્ષમતા ધરાવતા ઔદ્યોગિક ગૃહોને એરલાઈન ચલાવવાની છૂટ આપવાના પ્રસ્તાવ પર વિચાર છે. દેશના અનેક એરપોર્ટ અદાણી ગ્રુપ અને જીએમઆર ગ્રુપ સંભાળી રહ્યા છે, અને નીતિ બદલાય તો આ બંને જૂથોને પણ તક મળી શકે છે. હાલમાં દેશના પેસેન્જર બજારમાં મોટો હિસ્સો ઈન્ડિગો અને એર ઈન્ડિયા પાસે છે.

વિશ્વભરમાં નવી વિમાનોની ડિલિવરી સમયસૂચિ વિલંબમાં છે અને બોઈંગ તેમજ એરબસ પાસે મોટાપાયે બાકી ઓર્ડર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં દેશના એરલાઈન ક્ષેત્રે ફેરફારો નોંધાયા છે—જેટ એરવેઝ અને ગો એરલાઈન બંધ થઈ ગઈ છે, વિસ્તારા અને એરએશિયા ટાટા ગ્રુપમાં ભળી ગયા છે, નવી અકાશા એરલાઈન હજુ સંપૂર્ણ રીતે સક્ષમ બની નથી, જ્યારે સ્પાઈસજેટ મર્યાદિત ઉડાનો ચલાવે છે.