મોરબીના ખેડૂતો માટે ખાતર ખરીદી હવે બનશે વધુ સરળ: ડિસેમ્બરથી ‘FFS’ એપ દ્વારા એડવાન્સ બુકિંગની સુવિધા

લાંબી કતારો અને ભીડમાંથી મળશે મુક્તિ, QR કોડ સ્કેન કરી મેળવી શકાશે ખાતર

માહિતી મોરબી: તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૬

મોરબી જિલ્લાના ખેડૂતોને સબસિડીવાળા રાસાયણિક ખાતરની ખરીદીમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારી કરવામાં આવી છે. આગામી ડિસેમ્બર-૨૦૨૬થી મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ‘ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઈઝર સેલ’ (FFS) મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે. સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે આ વ્યવસ્થાનો રાજ્યવ્યાપી અમલ કરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી FFS એપ્લિકેશન ખેડૂતો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે. આ એપ દ્વારા ખેડૂતો પોતાના મોબાઈલથી જ જરૂરી ખાતરનો જથ્થો અને નજીકના વિક્રેતા પાસે તેની ઉપલબ્ધતા જાણી શકશે તેમજ અગાઉથી બુકિંગ પણ કરાવી શકશે. બુકિંગ કર્યા બાદ ખેડૂતે બે દિવસની અંદર સંબંધિત વિક્રેતા પાસેથી ખાતર મેળવી લેવાનું રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ખાતર નહીં ખરીદવામાં આવે તો બુકિંગ આપમેળે રદ થશે અને ખેડૂતે નવેસરથી બુકિંગ કરાવવું પડશે.

નવી વ્યવસ્થાથી ખાતર ખરીદવા માટે સહકારી મંડળીઓ અને ખાનગી વિક્રેતાઓ પાસે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. બુકિંગ બાદ વિક્રેતા પાસે પહોંચીને QR કોડની પ્રક્રિયા મારફતે સરળતાથી ખાતર મેળવી શકાશે. દરેક વ્યવહારનો ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ રહેતા ખાતર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને વાસ્તવિક ખેડૂતો સુધી સબસિડીવાળા ખાતરનો જથ્થો પહોંચાડવામાં મદદ મળશે.

ખાસ કરીને ખાતરની કાળાબજારી, બિનજરૂરી સંગ્રહખોરી અને એક ખાતર સાથે અન્ય ખાતર ખરીદવાની ફરજ પાડતી ટેગિંગ પ્રથા પર નિયંત્રણ લાવવામાં આ વ્યવસ્થા અસરકારક સાબિત થશે. ખેડૂતોને ઘરેથી જ ખાતરની ઉપલબ્ધતાની માહિતી મળી શકશે, જેથી સમય અને શ્રમ બંનેની બચત થશે.

મોરબી જિલ્લામાં આ નવી ડિજિટલ વ્યવસ્થાના અમલીકરણ માટે તમામ ખાતર ડીલરોને જરૂરી તાલીમ આપી દેવામાં આવી છે. ખેડૂતોને FFS એપ્લિકેશનના ઉપયોગ અને બુકિંગ પ્રક્રિયા અંગે વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે પોતાના વિસ્તારના ગ્રામ સેવક, ખેતી મદદનીશ અથવા ખાતર વિક્રેતાનો સંપર્ક કરવા મોરબી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.