ઢવાણા ગામમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેની મુલાકાત, આરોગ્ય-શિક્ષણ સહિતની સરકારી સેવાઓની સ્થળ પર સમીક્ષા

મોરબી: 28-11-2026: મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ઢવાણા ગામની મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ સરકારી સેવાઓ, પાયાની સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોની સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વિવિધ સરકારી સંસ્થાઓની કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવવામાં આવી હતી.

કલેક્ટરે સૌપ્રથમ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ, દવાઓનો જથ્થો અને ઉપલબ્ધ સારવાર સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ આંગણવાડી કેન્દ્રની મુલાકાત દરમિયાન બાળકોને મળતા પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

ગામની શાળાની મુલાકાત દરમિયાન શૈક્ષણિક વ્યવસ્થા, વિદ્યાર્થીઓની હાજરી તેમજ શાળામાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની રેશનિંગ દુકાનની મુલાકાત લઈ રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજના વિતરણની પ્રક્રિયા અંગે વિગતો મેળવી હતી.

ગામના તળાવની મુલાકાત દરમિયાન તેની હાલની સ્થિતિ અને જાળવણી અંગે માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ સરકારી ખરાબાની જમીન, ગામતળ તથા અન્ય જાહેર જગ્યાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓ અને સેવાઓનો અમલ, નાગરિકોને મળતી સુવિધાઓની ગુણવત્તા તથા સ્થાનિક પ્રશ્નોની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવાનો હતો. સ્થળ પરની સમીક્ષાના આધારે જરૂરી સુધારાત્મક પગલાં સુનિશ્ચિત કરવા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.