
મોરબી: 28-11-2026: શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો દૂર કરવાની કામગીરીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાના એસ્ટેટ વિભાગની ટીમે વાવડી રોડ પર આવેલા કપિલા હનુમાન ચોકડી અને ખારીવાડી વિસ્તારમાં પહોંચીને ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.


કપિલા હનુમાન ચોકડી વિસ્તારમાં 9 મીટરના સૂચિત રોડ પર ઊભી કરવામાં આવેલી આશરે 6 ઓરડીઓ અને 2 દુકાનોને જેસીબીની મદદથી દૂર કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી સૂચિત માર્ગ માટેની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ખારીવાડી પ્રાથમિક શાળાથી ગુચરવાડી સુધીના આશરે 800 મીટર લાંબા ગાડા માર્ગની બંને બાજુએ થયેલા દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણો હટાવ્યા બાદ આ માર્ગની પહોળાઈ વધારીને 25 ફૂટ કરવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પરના દબાણો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરની આ કાર્યવાહીને પગલે બંને વિસ્તારોમાં માર્ગની અવરજવર માટે વધુ જગ્યા ઉપલબ્ધ બની છે.






























