મોરબી ITIના ૧૧૨ તાલીમાર્થીઓએ મુન્દ્રાના ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈ મેળવ્યું પ્રત્યક્ષ જ્ઞાન

મોરબી: 28-11-2026: મોરબી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) દ્વારા તાલીમાર્થીઓને અભ્યાસની સાથે વાસ્તવિક ઔદ્યોગિક ક્ષેત્રની કામગીરીનો પરિચય મળે અને ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય તેવા હેતુથી નવેમ્બર–૨૦૨૬ દરમિયાન મુન્દ્રા ખાતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં સંસ્થાના વિવિધ ટ્રેડના કુલ ૧૧૨ તાલીમાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

મુલાકાત દરમિયાન તાલીમાર્થીઓએ અદાણી પોર્ટ ઉપરાંત અદાણી વિલમાર, અદાણી સોલર, થર્મલ પ્લાન્ટ અને વેસ્ટ ઝોન સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી આધુનિક મશીનરી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ કામગીરીની વિવિધ પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.

પુસ્તકીય અભ્યાસની સાથે ઔદ્યોગિક એકમોમાં થતી કામગીરીને નજીકથી સમજવાની તક મળતાં તાલીમાર્થીઓને વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ શૈક્ષણિક મુલાકાતથી તાલીમાર્થીઓમાં ટેકનિકલ ક્ષેત્ર પ્રત્યે વધુ સમજણ કેળવાઈ હતી અને વ્યવસાયલક્ષી તાલીમ મેળવવા માટે નવો ઉત્સાહ તથા પ્રેરણા મળી હોવાનું મોરબી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.