
મોરબી: 28-11-2026: મોરબી-રાજકોટ હાઈવે પર વીરપર ગામ નજીક વીરપર-લીલાપર રોડના બાયપાસ પાસે વાહનવ્યવહારની સમસ્યા અને અકસ્માતોના જોખમને ધ્યાનમાં રાખીને વીરપર ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આ સ્થળે વાહનચાલકોની સુવિધા અને માર્ગ સલામતી માટે સર્કલ બનાવવામાં આવે અથવા યોગ્ય કટની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે આર.એન્ડ.બી. સ્ટેટ, મોરબીના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતમાં જણાવ્યા મુજબ વીરપર-લીલાપર રોડ મોરબી-રાજકોટ હાઈવેના બાયપાસ સાથે જોડાય છે. આ સ્થળે સર્કલ અથવા કટની સુવિધા ન હોવાને કારણે લીલાપર તરફ જતાં ભારે વાહનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરિણામે વાહનચાલકો હાઈવે પર આગળ જઈ યુ-ટર્ન લઈને બાયપાસ તરફ વળે છે.

આ ઉપરાંત વીરપરથી બાયપાસ તરફ રોંગ સાઈડમાં વાહનોની અવરજવર થતી હોવાથી આ માર્ગ પર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. આવી પરિસ્થિતિમાં વાહનચાલકો તેમજ અન્ય રાહદારીઓની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.

આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સંબંધિત તંત્ર દ્વારા સ્થળની સ્થિતિને ધ્યાનમાં રાખીને સર્કલ અથવા યોગ્ય કટની વ્યવસ્થા કરવામાં આવે અને જરૂરી કાર્યવાહી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી વીરપર ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને પણ મોકલી આપવામાં આવી છે.






























