
વિદેશ: જતા લોકો માટે વોટ્સએપ ટૂંક સમયમાં એક ખાસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આના હેઠળ યુઝર્સ વોટ્સએપ એપ પરથી જ ઇન્ટરનેટ વાપરવા માટે ઈ-સિમ ખરીદી શકશે અને તેને પોતાના ફોનમાં એક્ટિવેટ કરી શકશે. આનાથી વિદેશમાં પણ લોકો પોતાના જૂના મોબાઈલ નંબર પર વોટ્સએપ ચલાવી શકશે. તેમને ઇન્ટરનેટ માટે એરપોર્ટ પર સિમ કાર્ડ ખરીદવાની દુકાન કે વાઈફાઈની સુવિધા શોધવાની જરૂર નહીં પડે. મોંઘા ઇન્ટરનેશનલ રોમિંગ પ્લાન પર થતા ખર્ચથી પણ બચી શકશે.

વોટ્સએપે આના માટે રિલાયન્સ જિયો, સ્માર્ટ એક્સિયાટા, સ્માર્ટ કમ્યુનિકેશન્સ અને વેરાઈઝન જેવી ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. કંપની ટૂંક સમયમાં પસંદગીના દેશોમાં આ સુવિધા શરૂ કરશે. જોકે, કયા દેશોમાં આ સુવિધા પહેલા મળશે અને આના માટે કેટલા પૈસા ચૂકવવા પડશે, તેની માહિતી હજુ સુધી આપવામાં આવી નથી. સર્વિસનો ચાર્જ કેટલો હશે, હજુ તે પણ જણાવવામાં આવ્યું નથી. વોટ્સએપના પ્રમુખ કુણાલ શાહે કહ્યું કે, કંપનીનો હેતુ દુનિયામાં ગમે ત્યાં વોટ્સએપનો ઉપયોગ સરળ બનાવવાનો છે.

તેમણે બીજી કંપનીઓને પણ આ પહેલ સાથે જોડાવાનું આમંત્રણ આપ્યું છે. મેટાના જણાવ્યા મુજબ, દુનિયાભરમાં વોટ્સએપના 300 કરોડથી વધુ યુઝર્સ છે. આ સુવિધા કેવી રીતે કામ કરશે? વિદેશ જતાં યુઝર્સ વોટ્સએપમાં જ કેટલાક વિકલ્પો પર ક્લિક કરીને ઇન્ટરનેટનો પ્લાન ખરીદી શકશે. ત્યારબાદ ફોનમાં ડિજિટલ ઈ-સિમ એક્ટિવેટ થઈ જશે. વિદેશ પહોંચ્યા બાદ તેના દ્વારા ઇન્ટરનેટ ચલાવી શકશે અને પોતાના જૂના નંબર પરથી જ વોટ્સએપ પર મેસેજ મોકલવા, વોઈસ અને વીડિયો કોલ કરવા જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.































