મોરબી જિલ્લાના 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ : કલેક્ટર
રવિવારે લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ: 27 પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે
મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાંથી ઘણી ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે જો કે, આગામી તા. 22 ને રવિવારે જીલ્લામાં 40 જગ્યાએ મતદાન થવાનું છે તેને લઈને કલેકટરની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે તેવી માહિતી કલેકટરે આપી હતી અને વધુમાં વધુ લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.
મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ઘણી બધી પંચાયતોમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જો કે, ગામમાં ચૂંટણી નહીં પરંતુ ગામમાં એકતા જળવાઈ રહે અને સરકારી ગ્રાન્ટનો વધુમાં વધુ લાભ ગામને મળે તેના માટે થઈને તે ગ્રામ પંચાયતને સમરસ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં 192 જગ્યાએ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં ઘણી ગ્રામ પંચાયતમાં ચૂંટણી નહીં પરંતુ ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવેલ છે જો કે, આગામી તા 22 ના રોજ 40 જગ્યાએ ચૂંટણી યોજવાની છે.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં 40 જગ્યાએ ચૂંટણી યોજવાની છે. જેમાં 27 ગ્રામ પંચાયતમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી યોજવાની છે.
જ્યારે સરપંચની પેટા ચૂંટણી 5 જગ્યાએ, સરપંચ અને વોર્ડની પેટા ચૂંટણી 4 જગ્યાએ અને વોર્ડની પેટા ચૂંટણી 4 જગ્યાએ યોજવાની છે જેના માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવામાં આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેના માટેની અપીલ કરવામાં આવેલ છે.
બેંકો પોતાની શાખાઓ વધારી રહી છે, પરંતુ ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)નો વિકાસ અટકી ગયો છે. આનું મુખ્ય કારણ ગ્રાહકોનો ડિજિટલ પેમેન્ટ તરફનો ઝડપથી વધતો ટ્રેન્ડ છે.
મર્યાદિત ડિજિટલ સેવાઓ ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં, થાપણો એકત્રિત કરવા અને ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે બેંક શાખા હોવી જરૂરી છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2021 માં સરકારી, ખાનગી અને આંતરરાષ્ટ્રીય બેંકોના એટીએમની કુલ સંખ્યા 2,11,332 હતી.
જે નાણાકીય વર્ષ 25 માં મામૂલી વધીને 2,11,654 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, નાણાકીય વર્ષ 21 માં બેંક શાખાઓની સંખ્યા 1,30,176 થી વધીને નાણાકીય વર્ષ 25 માં 1,42,359 થઈ ગઈ છે.
સાધારણ વધારો
2021માં 2,11,332 એટીએમ
2025માં 2,11,654 એટીએમ
બેંક શાખાઓનું વિસ્તરણ
2021 માં 1,30,176
2025 માં 1,42,359
મોબાઇલ બેંકિંગની અસર
આઈસીઆરએના ઉપાધ્યક્ષ સચિન સચદેવે કહ્યું, ‘ડિજિટલ પેમેન્ટ તરફ વધતાં વલણ અને મોબાઈલ કે ઈન્ટરનેટ બેન્કિંગ માટે ગ્રાહકોની પસંદગીને કારણે એટીએમની માંગ ઘટી છે.
તેમણે કહ્યું કે એટીએમની જરૂરિયાત બેંક શાખાઓની જરૂરિયાતથી દૂર થઈ ગઈ છે. શાખાઓ દૂરના વિસ્તારોમાં પહોંચતી હોવાથી, તેમાં હંમેશાં વિસ્તરણની સંભાવના રહે છે.
ગામડાઓમાં હજુ પણ માંગ છે
આરબીઆઈના જણાવ્યાં અનુસાર, ડિજિટલ પેમેન્ટની વધુ પહોંચ ન હોવાથી ગામડાઓ અને નાના નગરોમાં એટીએમની માંગ છે. નાણાકીય વર્ષ 2024-25માં એટીએમમાંથી રોકડ ઉપાડ 30.6 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો, જે નાણાકીય વર્ષ 2019-20માં 28.89 લાખ કરોડ રૂપિયા હતો.
બીસીજીના ભારતના નેતા યશ રાજનું કહેવું છે કે હવે એટીએમ અને શાખાઓ બેંકો માટે અલગ અલગ વસ્તુઓ છે. અગાઉ એટીએમને શાખાઓનું વિસ્તરણ માનવામાં આવતું હતું.
એટીએમ કામગીરી મોંઘી
ઉદ્યોગનાં નિષ્ણાતોનું કહેવું છે કે, મેઇન્ટેનન્સ, કેશ મેનેજમેન્ટ અને કેસેટ સ્વેપિંગ જેવા ખર્ચાઓ વધી રહ્યા હોવાથી બેન્કો માટે એટીએમ ચલાવવાનું મોંઘું પડ્યું છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના વધતા જતા ઉપયોગને કારણે એટીએમમાં ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો હોવાથી મૂળભૂત બદલાવ પણ આવ્યો છે.
ખાનગી ક્ષેત્રની બેંકો પ્રવેશ વધારી રહી છે
બેંકોની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકોમાં ખાનગી બેંકો કરતાં વધુ એટીએમ છે, સરકારી બેંકોમાં ગામડાઓ અને નગરોમાં ઘણાં બધા એટીએમ છે. ખાનગી ક્ષેત્રની બેંકો હવે મહાનગરોની બહાર એટીએમ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ગુજરાતમાં દાહોદમાં થયેલા મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મનરેગા કૌભાંડ બાદ હવે મનરેગા યોજનામાં કરચોરીનો મામલો સામે આવ્યો છે. SGST વિભાગે મનરેગા યોજનામાં કરોડોની કરચોરી પકડી છે.
દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે. કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી અને બેંક ખાતામાં મળેલી રકમ કરતાં ટર્ન ઓવર ઓછુ બતાવતા હતાં.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મનરેગા કૌભાંડમાં ભરૂચ અને દાહોદ સહિતના વિસ્તારોમાં કૌભાંડીઓ સામે કાર્યવાહી ચાલુ છે. તેવામાં રાજ્યમાં SGST વિભાગે મનરેગા યોજનામાં થતી કરચોરીને પકડી પાડી છે. SGST વિભાગે દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે.
આ કરદાતાઓએ કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી. આ ઉપરાંત બેંક ખાતામાં મળેલી રકમ કરતાં ટર્ન ઓવર પણ ઓછું બતાવ્યું હતું. SGST વિભાગે તપાસ કરીને કરોડોની કરચોરી પકડી પાડી છે.
મનરેગા યોજના થકી 45 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી
મનરેગા કૌભાંડ બાદ હવે મનરેગા યોજનામાં કરચોરી ઝડપાઈ છે.SGST વિભાગે મનરેગા યોજના થકી 45 કરોડથી વધુની કરચોરી ઝડપી પાડી છે. મનરેગા યોજના થકી કરચોરી કરનાર દાહોદ અને વેરાવળના ચાર કરદાતાઓ વિરુધ્ધ તપાસ હાથ ધરાઈ છે.
કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગીકૃત કરવી તેમજ બેંક ખાતામાં મળેલ રકમની તુલનામાં ટર્નઓવર ઓછું દર્શાવવા જેવી ગેરરીતિઓ સામે આવી છે. આ સાથે જ કરદાતાઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો અનઅધિકૃત અને અયોગ્ય લાભ લેતા હોવાનું પણ સામે આવ્યું છે.
હવે આવી ફરિયાદો પર કેબિનેટ સચિવાલયની સીધી નજર રહેશે
હવે આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ એટલે કે સીબીઆઇસી સંબંધિત ફરિયાદોનું પીએમઓ મોડેલ દ્વારા સમાધાન કરવામાં આવશે.
કેબિનેટ સચિવાલય દ્વારા આ ફરિયાદો પર સીધી નજર રાખવામાં આવશે. બંને વિભાગોની ફરિયાદોને હવે ડિરેક્ટોરેટ ઓફ પબ્લિક ગ્રિવન્સ (ડીપીજી) હેઠળ લાવવામાં આવી છે, જે કેબિનેટ સચિવાલય હેઠળ કામ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ સરકારી વિભાગોની પડતર ફરિયાદોનો સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે નિકાલ કરવાનો છે.
કેન્દ્રીય કેબિનેટ સચિવે તમામ મંત્રાલયો અને વિભાગોને તેમની ફરિયાદ નિવારણ પ્રણાલીમાં સુધારો કરવા અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પીએમઓ જેવી મોનિટરિંગ મિકેનિઝમ સ્થાપિત કરવા જણાવ્યું છે. આવકવેરા અને સીબીઆઈસીને ડીપીજી હેઠળ લાવવાનો આદેશ 16 જૂને કેબિનેટ સચિવાલયથી જારી કરવામાં આવ્યો છે.
આ મહત્વનું છે, કારણ કે આવકવેરા વિભાગ અને સીબીઆઇસી સંબંધિત સમસ્યાઓ લાખો કરદાતાઓ અને વેપારીઓને અસર કરે છે. વિલંબ, પારદર્શિતાના અભાવ અને જટિલ પ્રક્રિયાઓ માટે તેમની સામે અવારનવાર ફરિયાદો કરવામાં આવી છે.
પરંતુ, નવી વ્યવસ્થામાં સામાન્ય કરદાતા હોય કે વેપારી વર્ગ, હવે તેમની ફરિયાદો પર માત્ર ઔપચારિકતામાં જ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ સિનિયર લેવલે સીધી દેખરેખ રાખવામાં આવશે.
ટૂંક સમયમાં નવી બ્લુપ્રિન્ટ :-
ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ (ડીએપીઆરજી) ટૂંક સમયમાં આ નવી સિસ્ટમ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરશે અને તમામ મંત્રાલયોને માર્ગદર્શિકા જારી કરશે. દરેક મંત્રાલયનાં ફરિયાદ નિવારણ સેલની સક્રિય ભૂમિકા રહેશે, જેથી ફરિયાદોનું નિવારણ અસરકારક બને.
શું છે PMO મોડલ? :-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 4 જૂનના રોજ મંત્રી પરિષદની બેઠક મળી હતી, જેમાં જનતાની ફરિયાદોના નિરાકરણને ટોચની પ્રાથમિકતા ગણાવી હતી. ત્યારબાદ કેબિનેટ સચિવે પીએમઓમાં લાગુ કરવામાં આવેલા મોડલ વિશે વાત કરી, જ્યાં 30થી વધુ વરિષ્ઠ અધિકારીઓ દરરોજ ઓછામાં ઓછી 10 ફરિયાદોનો નિકાલ કરે છે.
એટલે કે પીએમઓ દરરોજ લગભગ 300 ફરિયાદોનું નિરાકરણ લાવે છે. હવે તમામ મંત્રાલયો અને વિભાગોમાં આ જ પીએમઓ મોડેલ લાગુ કરવાની યોજના છેદરેક વિભાગના વરિષ્ઠ અધિકારીઓને લોકોની ફરિયાદોની સીધી તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવશે. તેને ’હાઈ પ્રાયોરિટી એક્શન પોઈન્ટ’ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.
મોરબી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે પ્રથમ એમબીબીએસ વર્ષ અને બીજા એમબીબીએસ વર્ષના વિદ્યાર્થીઓએ રંગોળી કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઉપરાંત પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ એનેટોમીના બોડી પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે મેડિકલ કોલેજના પ્રથમ અને બીજા વર્ષના તબીબો દ્વારા
પરિણામ જાહેર કરી વિદ્યાર્થીઓને ઇનામ આપી અને ઉત્સાહ વધારયો હતો. આ પ્રવૃત્તિ દ્વારા તબીબોએ ગમ્મત સાથે અઘરા વિષયની સહજ રીતે સમજ કેળવાય એવા પ્રયત્ન કર્યા હતા.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મુશળધાર તો ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યમાં દરેક જગ્યાએ NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. જાણો IMDનું અપડેટ શું છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ સર્વત્ર સતત વરસાદ પડી રહ્યો છે. જો કે, સામાન્ય લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, IMDએ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ પણ આપી છે અને કેટલાક ભાગોમાં વીજળી પણ પડી છે. બીજી તરફ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં થોડા દિવસોથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. આને કારણે સર્વત્ર હળવો વરસાદ પડી રહ્યો છે. હાલ માટે IMDએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે અને જો કોઈ કામ ન હોય તો બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની સલાહ આપી છે.
હવામાન વિભાગ મુજબ આગામી 3 કલાકમાં અમદાવાદ, ખેડા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સતત વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છનો સમાવેશ થાય છે. વરસાદને કારણે ભાવનગર, મોરબી, અમરેલીના ગામડાઓમાં વીજળીનો અભાવ હોવાથી સમસ્યા વધી ગઈ છે.
હવામાન વિભાગે 19 જૂને રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે, જેમાં ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે 21 જૂન માટે 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, સુરત, બનાસકાંઠા, પાટણ, વડોદરા જેવા શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. જ્યારે ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં રચાયેલા ઓછા દબાણવાળા ક્ષેત્ર અને સંકળાયેલ વાયુ ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. IMDએ જણાવ્યું કે, 25 જૂન સુધી આંધી તોફાન સાથે ભારે વરસાદના આગાહી છે. હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું કે, આગામી ચાર દિવસ દરમિયાન દાહોદ, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, ભરૂચ, નવસારી અને ડાંગ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
18 વર્ષ બાદ માત્ર 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગુજરાતને સર કર્યું છે. ધમાકેદાર વરસાદ સાથે 16 જૂને પ્રવેશેલા ચોમાસાએ 17 જૂને સમગ્ર ગુજરાતને આવરી લીધું હતું. આ અગાઉ 2007માં 24 જૂને રાજ્યમાં ચોમાસાનું પ્રવેશ્યું હતું, અને 26 જૂને ગુજરાતને સર કરી લીધું હતું. ચાલુ ચોમાસે રાજ્યમાં સરેરાશ 882 મીમી (સવા 35 ઇંચ) વરસાદની જરૂરીયાત છે. છેલ્લા 4 દિવસના એકધારા વરસાદના કારણે રાજ્યમાં સરેરાશ 92.39 મીમી (સાડા 3 ઇંચથી થોડો વધુ) વરસાદ થઈ ગયો છે. એમ કે સિઝનનો 10.46% વરસાદ મળી ચૂક્યો છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધુ ગંભીર રૂપ લઈ રહ્યું છે. એવામાં ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બચાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. જે હેઠળ ભારતીયોનો પહેલો જથ્થો પરત આવી પણ ગયો છે. હવે સરકારે જાહેરાત કરી છે કે ઈરાનની સાથે સાથે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર મદદ કરશે.
કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે ભારતીયો ઈઝરાયલ છોડી સ્વદેશ પરત આવવા માંગે છે તેમને મદદ કરવામાં આવશે. ઈઝરાયલમાં રહેતા ભારતીયોને પહેલા સરહદના રસ્તે કોઈ સુરક્ષિત સ્થાન પર લઈ જવાશે અને પછી ત્યાંથી વિમાન મારફતે ભારત લાવવામાં આવશે.
ભારતીય વિદેશ મંત્રાલયએ સત્તાવાર નિવેદન આપી કહ્યું છે, કે ‘ઈઝરાયલ છોડવા માંગતા ભારતીયોને ત્યાંથી રેસ્ક્યૂ કરવામાં આવશે.’ સ્વદેશ પરત આવવા માંગતા ભારતીયોએ જો તેલ અવિવ સ્થિત ભારતીય એમ્બેસીમાં નોંધણી ન કરાવી હોય તો પહેલા તે કરાવવાની રહેશે. રજિસ્ટ્રેશન તથા ગમે તે અન્ય કોઈ મૂંઝવણને લઈને કોઈ સવાલ હોય તો એમ્બેસીના કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકશે.
નોંધનીય છે કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થયો તે બાદ પણ ભારતીય વિદેશ મંત્રાલય તથા એમ્બેસી દ્વારા ત્યાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરીને સાવચેત રહેવાની સલાહ આપી હતી તથા ઈરાનનું તેહરાન શહેર છોડવા માટે સલાહ આપી હતી.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર ઈઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાનમાં 639 લોકોના મોત થયા છે જેમાં 263 સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. બીજી તરફ ઈરાને ઈઝરાયલ પર અત્યાર સુધી સેંકડો ડ્રોન અને 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે.
12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન ક્રેશમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા છે. ટેક-ઓફ અગાઉ વિમાનમાં 1.25 લાખ લીટર ઇંધણ ભરવામાં આવ્યું હતું, જેના કારણે ક્રેશના સમયે વિસ્ફોટ થઈ ગયો અને બધું બળીને રાખ થઈ ગયું. આમ તો હવાઈ યાત્રાને સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે, પરંતુ સમય સમય પર તેની સેફ્ટીને લઈને સવાલ ઉઠતા રહે છે.
હવે યુક્રેનના એક એરોસ્પેસ એન્જિનિયર, તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચે પ્લેનની એક એવી ડિઝાઇન તૈયાર કરી છે, જેમાં ઈમરજન્સીની સ્થિતિમાં પેસેન્જર કેબિનને વિમાનથી અલગ કરી શકશે છે અને લોકોના જીવ બચી જશે. તાતારેન્કોએ આ ડિઝાઇન 3 વર્ષ કરતા વધુ સમયની મહેનત બાદ તૈયાર કરી હતી.
તેને વર્ષ 2016માં લોકો સામે રજૂ કરવામાં આવી હતી. તેમણે એક કોન્સેપ્ટ એરક્રાફ્ટ તૈયાર કર્યું છે, જેમાં પેસેન્જર કેબિન ડિટેચેબલ છે. એ મુજબ, ટેક-ઓફ, ઉડાણ દરમિયાન અથવા લેન્ડિંગના સમયે જો વિમાનમાં કોઈ ઈમરજન્સી આવી જાય, તો પેસેન્જર કેબિન અલગ થઈ જશે.
આ પેસેન્જર કેબિનમાં એક પેરાશૂટ લાગેલું હશે, જે ઓટોમેટિક ખૂલી જશે અને પેસેન્જર કેબિન ધીમે-ધીમે નીચે ઉતરવા લાગશે. જો આ કેબિન પાણીમાં પડ્યું, તો તેમાં લાગેલું ઇન્ફ્લેટેબર ટ્યૂબ તેને તરતા રહેવામાં મદદ કરશે. પેસેન્જરના સામાન માટે પણ પ્લેનમાં વિશેષ વ્યવસ્થ કરવામાં આવશે.
યુક્રેનિયન આવિષ્કારક અને એરોસ્પેસ એન્જિનિયર તાતારેન્કો વ્લાદિમીર નિકોલાયેવિચનો તર્ક છે કે હ્યુમન એરરને કંટ્રોલ નહીં કરી શકાય, પરંતુ તેના માટે તૈયારીઓ કરી શકાય છે. આ કેબિન કેવલર અને કાર્બન ફાઇબરથી બનશે, જે હલકું તો હશે જ, પરંતુ ખૂબ જ મજબૂત પણ હશે.
હવે આ ડિઝાઇને એક નવી બહેસ છેડી દીધી છે કે, વિમાનોમાં આવી વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં. ડિઝાઇનના ટીકાકારોનું માનવું છે કે અલગ કેબિનને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યવસ્થા નથી, એટલે તે પર્વતો, વસ્તીવાળા વિસ્તારો અથવા જંગલોમાં પડી શકે છે.
કેટલાક લોકો પાઇલટની ચિંતા ન કરવા પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે, ઘણા સમર્થક તેને એક શાનદાર ડિઝાઇન કહી રહ્યા છે અને તેના માટે વધુ કિંમતની ટિકિટ ખરીદવા માટે પણ રાજી છે.
જોકે, આ ડિઝાઇન કેટલી પ્રેક્ટિકલ હશે, તે ભવિષ્યમાં ખબર પડશે. વિમાનનું નિર્માણ પહેલાથી જ મોંઘુ છે. એવામાં, જો આ સિસ્ટમને ઇન્ટગ્રેટ કરવામાં આવે, તો કિંમત હજી વધી શકે છે. તાતારેન્કોએ પોતાની ડિઝાઇનનો રિયલ પ્રોટોટાઇપ બનાવવા માટે રોકાણકારની શોધ શરૂ કરી છે, પરંતુ એરબસ કે બોઇંગ જેવી કોઈ મોટી કંપની તેમાં સામેલ થવાની સંભાવના ખૂબ ઓછી છે. તાતારેન્કોનું કહેવું છે કે તેઓ પાઇલટ માટે પણ કોઈ સોલ્યૂશન વિચારી રહ્યા છે.
મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવા બાબત જિલ્લા કલેક્ટર કિરણ બી. ઝવેરીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદ અન્વયે સર્વે જિલ્લાવાસીઓને ૨૧ જૂનના રોજ વહેલી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગની દૈનિક જીવનનો ભાગ બનાવવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.
સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉર્જા અને ઉત્સાહ સાથે કરવામાં આવનાર છે. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જેમાં અંદાજિત ૨૫૦૦ જેટલા લોકો સહભાગી બનશે. મોરબી મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મણીમંદિર ખાતે યોજાશે જેમાં પણ અંદાજિત ૧૦૦૦ જેટલા લોકો સહભાગી બની છે.
તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોમાં ટંકારા તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એમ.પી. દોશી હાઇસ્કુલ ખાતે, માળીયા (મી) તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે, હળવદ તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે અને વાંકાનેર તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નગરપાલિકા મેદાન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રત્યેક કાર્યક્રમ દીઠ ૧૦૦૦ લોકો મળી ૪૦૦૦ હજાર લોકો સહભાગી બનશે.
ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી ૭૫૩ શાળાઓ, જિલ્લાની વિવિધ કોલેજ, ૩ સીએચસી, ૩૦ પીએચસી, ૩૫૦ ગ્રામ પંચાયત ઉપરાંત સરકારી બગીચાઓ, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટર કિરણ બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજ્યની ગ્રામ પંચાયતની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ ૨૦૨૫ અન્વયે મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રવિવારના રોજ સવારના ૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજનાર છે.
ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એકટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને
મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા મોરબી મદદનીશ શ્રમ આયુકતની કચેરીની યાદીમાં જણાવાયું છે.