મોરબી પર તૂટી પડી ખૂંખાર સિસ્ટમ, ગળાડૂબ પાણી ભરાયા, મચ્છુ-2 ડેમના 16 દરવાજા ખોલાયા

મોરબી: મોરબી જિલ્લાના હળવદ અને આસપાસના પંથકમાં મોડી રાતથી શરૂ થયેલો મેઘરાજાનો અવિરત દોર 12 કલાક બાદ પણ યથાવત રહેતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હળવદ પંથકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા માલનિયાદ, રણમલપુર, કીડી અને જોગળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે ખારી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને રણમલપુર ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે, આજે સવારના 6થી બપોરના 4 વાગ્યા સુધી મોરબીના ટંકારામાં 6.73 અને હળવદમાં 6.3 ઇંચ વરસાદ પડ્યો છે. જૂન માલનિયાદ ગામે પાંચ લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

સતત વરસી રહેલા આ વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેને લઈને ખેડૂતોમાં કપાસ અને મગફળી જેવા પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી પોલીસ દ્વારા ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે તથા તમામ તાલુકાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. ભારે પાણીની આવક વધતાં મોરબીના મચ્છુ-૨ ડેમના 16 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે નદી બે કાંઠે વહી રહી છે. તંત્ર દ્વારા મોરબી અને માળિયા તથા આસપાસના કુલ 32 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીકાંઠાના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

ભારે વરસાદ અને પૂરના પાણી ભરાવાને કારણે જિલ્લા પંચાયત હસ્તકના 16 અને સ્ટેટ આર એન્ડ બી હસ્તકના 2 સહિત કુલ 18 રોડ બંધ થઈ ગયા છે. આ સંપર્ક વિહોણી સ્થિતિ વચ્ચે હળવદનું કોયબા અને વાંકાનેરનું રાજસ્થલી ગામ અન્ય વિસ્તારોથી વિહોણા બન્યા છે. મચ્છુ-2 ડેમના 16 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. વરસાદને પગલે ખેતરો જળમગ્ન થયા, ખેડૂતોને કપાસ મગફળી સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ