
સાબરકાંઠા: જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે પવન સાથેના તોફાની વરસાદને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઇડરમાં માત્ર બે કલાકમાં પડેલા પોણા બે ઇંચ વરસાદના કારણે ડેભોલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં એક પાર્ક કરેલી કાર ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. બીજી તરફ, હિંમતનગર અને પ્રાંતિજ પંથકમાં મુસળધાર વરસાદથી હાથમતી વિયર ઓવરફ્લો થતાં નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. વરસાદી આફત વચ્ચે સાંપડ ગામ પાસે સાબરમતી નદીમાં માછલી પકડવા ગયેલો એક યુવક પાણીમાં તણાઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા વિધિવત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પૂરમાં કાર તણાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સાબરકાંઠા જિલ્લાના ઇડર અને વડાલી પંથકમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ઇડરમાં ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદથી ડેભોલ નદીમાં મોટો જળપ્રવાહ આવ્યો હતો. નદીના આ પૂરમાં એક કાર તણાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ભારે પૂરને લીધે ઈડર-વલાસણા હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જ્યારે માર્ગ અને મકાન વિભાગની કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સાબરકાંઠાઃ પાર્ક કરેલી કાર પાણીમાં તણાઈ#GujaratiNews #BreakingNews #News18Gujarati pic.

— હિંમતનગર અને પ્રાંતિજમાં વરસાદથી હાથમતી વિયર ઓવરફ્લો : ભારે વરસાદ વચ્ચે ઈડરિયા ગઢના ડુંગરો કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ જતાં એક તરફ આહ્લાદક દ્રશ્યો સર્જાયા હતા, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. જિલ્લામાં જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો, હિંમતનગર અને પ્રાંતિજ પંથકમાં પડેલા વરસાદથી હાથમતી વિયર સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે અને હાથમતી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાંથી પસાર થતી ખારી નદીમાં ચાલુ મોસમમાં પ્રથમ વખત નવા નીર આવ્યા છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.માછલી પકડવા ગયેલો એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો

જોકે, આ વરસાદી માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના પણ સામે આવી છે. પ્રાંતિજના સાંપડ ગામ પાસે સાબરમતી નદીમાં માછલી પકડવા ગયેલો એક યુવક પાણીના ઝડપી પ્રવાહમાં તણાઈ ગયો હોવાની આશંકા છે. પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા છેલ્લા 15 કલાકથી લાપતા યુવકની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ કામગીરી ચલાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ નાગરિકોને નીચાણવાળા વિસ્તારો તેમજ નદી-નાળાની નજીક ન જવા ખાસ અપીલ કરવામાં આવી છે.



























