
ભાવનગર તા. 6 : સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમે ચોમાસાની શરૂઆતમાં જ સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરતાં સોમવારે સાંજે ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે છેલ્લા 24 કલાક દરમિયાન ડેમમાં પાણીની જોરદાર આવક થતાં ડેમ 100 ટકા ભરાઈ ગયો હતો. ડેમ છલકાતા જિલ્લાના ખેડૂતો તેમજ ભાવનગર શહેરના નાગરિકોમાં આનંદ અને રાહતની લાગણી વ્યાપી ગઈ છે.

34 ફૂટની સંપૂર્ણ જળસપાટી ધરાવતા શેત્રુંજી ડેમના ઓવરફ્લો થતાં ભાવનગર શહેર માટે આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે. સાથે જ ખેડૂતો માટે સિંચાઈના પાણીની પણ પૂરતી ઉપલબ્ધતા રહેશે, જેના કારણે કૃષિ ક્ષેત્રે પણ સકારાત્મક અસર જોવા મળશે.

ડેમમાં પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કુલ 59 દરવાજામાંથી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે શેત્રુંજી નદીમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીના પટમાં પાણીનો પ્રવાહ વધતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી નજીક ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

શેત્રુંજી ડેમ 100 ટકા ભરાતાં સંભવિત અસરગ્રસ્ત ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામોને તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર સહિત કુલ 17 ગામોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને અનાવશ્યક અવરજવર ટાળવા, પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. બીજી તરફ, ચોમાસાની શરૂઆતમાં જ શેત્રુંજી ડેમ છલકાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



















