HomeAllડિજિટલ ફ્રોડ સામે ગુજરાતની મજબૂત પહેલ: બેંક-પોલીસ વચ્ચે રિયલ-ટાઇમ સંકલન માટે ઉચ્ચસ્તરીય...

ડિજિટલ ફ્રોડ સામે ગુજરાતની મજબૂત પહેલ: બેંક-પોલીસ વચ્ચે રિયલ-ટાઇમ સંકલન માટે ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર: સાઇબર અપરાધીઓ સામે સમયસર અને પરિણામલક્ષી કાર્યવાહી કરીને નાગરિકોને ડિજિટલ ફ્રોડથી સુરક્ષિત રાખવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અગ્રણી બેંકોના વડાઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોને થતા નાણાકીય નુકસાનને અટકાવવા પોલીસ અને બેંકો વચ્ચેનું સંકલન વધુ મજબૂત, ઝડપી અને અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન અત્યાર સુધી નોંધાયેલા સાઇબર ફ્રોડના કેસો અને સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી સાઇબર અપરાધીઓની બદલાતી મોડસ ઓપરેન્ડી સામે આગોતરી વ્યવસ્થા ઊભી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ફ્રોડ થયાના ગણતરીના સમયમાં ફરિયાદીની રકમ જે બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ હોય તે ખાતું તાત્કાલિક ફ્રીઝ કરી નાણાં ઝડપથી રિકવર કરી શકાય તે માટે રિયલ-ટાઇમ મિકેનિઝમ વિકસાવવા પર વિશેષ ભાર મૂકાયો હતો.

બેઠકમાં જણાવાયું હતું કે, બેંક ખાતું ફ્રીઝ કરવાની પ્રક્રિયામાં પોલીસ કે બેંક સ્તરે થતો માત્ર બે મિનિટનો વિલંબ પણ કોઈ પરિવારની જીવનભરની કમાણી ગુમાવવાનું કારણ બની શકે છે. તેથી આ વ્યવસ્થાને માત્ર સરકારી પ્રોટોકોલ કે SOP તરીકે નહીં, પરંતુ નાગરિકોનો ડિજિટલ બેંકિંગ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવાના સંવેદનશીલ પ્રયાસ તરીકે અમલમાં મૂકવા ભાર અપાયો હતો.

ડિજિટલ એરેસ્ટ સહિતના વિવિધ સાઇબર ફ્રોડમાં સિનિયર સિટીઝન્સ વધુ ભોગ બનતા હોવાના મુદ્દે બેંક કર્મચારીઓને વિશેષ સતર્કતા દાખવવા જણાવાયું હતું. કોઈ સિનિયર સિટીઝન અસાધારણ રીતે મોટી રકમની FD તોડવા અથવા મોટી રકમ ઉપાડવા આવે ત્યારે બેંક સ્ટાફે સંવેદનશીલતાપૂર્વક જરૂરી પ્રશ્નો પૂછી વ્યવહારની ખરાઈ કરવી જોઈએ. અમદાવાદની એક બેંકના કર્મચારીઓની સતર્કતાના કારણે એક નાગરિકના લાખો રૂપિયા બચી શક્યા હોવાના ઉદાહરણની પણ બેઠકમાં સરાહના કરવામાં આવી હતી.

નવા બેંક ખાતા ખોલવાના લક્ષ્યાંકો કે સ્પર્ધાના કારણે ગુણવત્તા અને કાયદાકીય વેરિફિકેશન સાથે કોઈ સમાધાન ન થાય તે અંગે પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. શંકાસ્પદ ખાતાઓ અને ટ્રાન્ઝેક્શન્સની સમયસર ઓળખ સાઇબર ફ્રોડ સામેની કાર્યવાહીમાં અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું.

ગૃહ વિભાગ અને સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા દરરોજ સાઇબર ફ્રોડ સંબંધિત કોલ્સ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ અને ફ્રીઝ કરાયેલી રકમના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે. બેંકોની ઇન્ટેલિજન્સ વિંગ પણ પોલીસને રિયલ-ટાઇમ ઇનપુટ્સ પૂરા પાડે તો સાઇબર ફ્રોડ અટકાવવા અને નાણાંની ઝડપી રિકવરીમાં વધુ અસરકારક પરિણામ મેળવી શકાય તેમ હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

બેંકિંગ સેક્ટર અને પોલીસ વિભાગ વચ્ચે માહિતી, અનુભવ અને સૂચનોની સતત આપ-લે થાય તથા સાઇબર અપરાધ સામે સંયુક્ત રીતે ઝડપી અને પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવે તે માટે મજબૂત સંકલન વ્યવસ્થા ઊભી કરવા બેઠકમાં ભાર મૂકાયો હતો.

બેઠકમાં ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ ગુપ્તા, રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમજ રાજ્યની વિવિધ બેંકોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરની 5,300થી વધુ બેંક શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments