
સતત વધી રહેલા ડીઝલના ભાવવધારામાં સૌથી મોટો ફટકો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડયો છે અને એક તરફ ઉંચા ભાડા માટે તાત્કાલીક ગ્રાહકો સંમત થતા નથી જયારે નીચા ભાડામાં ટ્રક ચલાવવાનું પોષાતુ ન હોય દેશમાં 20 ટકા જેટલા ટ્રકો હવે દોડતા બંધ થઈ ગયા છે.

જેના કારણે આગામી દિવસોમાં પુરવઠો નિયમિત રીતે પહોંચે તે પણ સમસ્યા સર્જાઈ ગઈ છે. એક રિપોર્ટ મુજબ દેશમાં કુલ 95 લાખ જેટલા ટ્રકો સામાન્ય રીતે દોડે છે. પરંતુ હાલમાં ખાસ કરીને ડીઝલના ભાવવધારાના કારણે નાના ટ્રક ચાલકો માટે સ્ટ્રીપ મુશ્કેલ બની ગઈ છે. ઉંચા ભાડા તથા ટ્રક રિપેરીંગ અને મેઈન્ટેનન્સના વધેલા ખર્ચને કારણે નાના ટ્રક ઓપરેટરોની કમાણી લગભગ નહીવત થઈ ગઈ છે.

ડીઝલમાં છેલ્લા 11 દિવસમાં આઠ રૂપિયા પ્રતિ લીટર જેટલો ભાવવધારો થયો છે અને તાત્કાલીક તે રીતે ટ્રકભાડામાં વધારો શકય બનતો નથી તેના કારણે ઓપરેટરોને સૌથી વધુ સહન કરવું પડી રહ્યું છે. ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ જે દેશના 3400 જેટલા એસોસીએશન અને 90 લાખથી વધુ ટ્રકચાલકો સાથે સંકળાયેલા છે. તેમના જણાવ્યા મુજબ ટ્રક દોડાવવા પાછળ ઈંધણનો ખર્ચ 40થી55 ટકા હોય છે.

સરકારે જે રીતે 11 દિવસમાં ભાવવધારો કર્યો છે તે તાત્કાલીક ગ્રાહકો પર લાદવુ પણ શકય નથી. છ હજાર જેટલા ટ્રકોનું સંચાલન કરતા વીઆરએલ લોજીસ્ટીકના દાવા મુજબ તેમના ટ્રકોને હવે વધુ સમય ઓફ રોડ એટલે ટ્રીપમાંથી પાછી ખેંચી લેવાની ફરજ પડી છે. મોંઘા ડીઝલનો બોજો ટ્રકચાલકો તાત્કાલીક ગ્રાહકો પર લાદી શકે તેમ નથી.

























