HomeAllડિજિટલ ક્રાંતિના 12 વર્ષ : ગુજરાતમાં 6.99 કરોડ ખાતાઓ સુધી પહોંચી ડિજિટલ...

ડિજિટલ ક્રાંતિના 12 વર્ષ : ગુજરાતમાં 6.99 કરોડ ખાતાઓ સુધી પહોંચી ડિજિટલ બેન્કિંગની સુવિધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશે ડિજિટલ ક્રાંતિ, સુશાસન અને નાણાકીય સમાવેશના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનના પરિણામે આજે ભારત વિશ્વના અગ્રણી ડિજિટલ અર્થતંત્રોમાં સ્થાન પામી રહ્યું છે, જ્યારે ગુજરાતમાં પણ ડિજિટલ બેન્કિંગ અને ઓનલાઈન સેવાઓનો વ્યાપ ઝડપથી વધ્યો છે.

સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના 31 માર્ચ, 2026 સુધીના આંકડા મુજબ ગુજરાતમાં 6.99 કરોડ બચત ખાતાઓમાં ઓછામાં ઓછી એક ડિજિટલ બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ બની છે. તેમાં 70.49 ટકા ખાતાધારકો પાસે ડેબિટ કાર્ડ, 63.19 ટકા ખાતાધારકો UPI, મોબાઇલ બેન્કિંગ અને USSD જેવી સેવાઓનો ઉપયોગ કરે છે, જ્યારે 79.20 ટકા લોકો આધાર આધારિત બેન્કિંગ સેવાઓનો લાભ લઈ રહ્યા છે.

રાજ્યમાં હાલમાં 1.98 કરોડથી વધુ જનધન ખાતાધારકો અને 1.51 કરોડથી વધુ રૂપે કાર્ડ ધારકો નોંધાયેલા છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે પણ ભારતે ઐતિહાસિક પ્રગતિ નોંધાવી છે. વર્ષ 2016માં શરૂ થયેલી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) વ્યવસ્થા આજે દેશની આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ બની ગઈ છે. વર્ષ 2016-17માં માત્ર 2 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થતા હતા, જે વર્ષ 2025-26માં વધીને 24,162 કરોડ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચી ગયા છે.

આ ઉપરાંત UPI મારફતે થતી વાર્ષિક લેવડદેવડ રૂા.314 લાખ કરોડ સુધી પહોંચી છે. હાલમાં દેશમાં દરરોજ સરેરાશ 66 કરોડ UPI ટ્રાન્થઝેક્શન થાય છે અને UPIનો ફાળો દેશના કુલ ડિજિટલ પેમેન્ટમાં લગભગ 85 ટકા જેટલો છે. ભારતની ડિજિટલ સફળતા માત્ર દેશ પૂરતી સીમિત રહી નથી. આજે યુએઈ, સિંગાપોર, ફ્રાન્સ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મોરિશ્યસ અને કતાર જેવા દેશોમાં પણ ભારતીય UPI સેવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. 2016માં UPI સાથે માત્ર 21 બેન્કો જોડાયેલી હતી, જે સંખ્યા હવે વધીને 703 થઈ છે.

ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ ઇન્ટરનેટ અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. દેશમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા છેલ્લા 12 વર્ષમાં 25 કરોડથી વધીને 100 કરોડથી વધુ થઈ છે. ‘ભારતનેટ’ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીનો વ્યાપ વધારવામાં આવ્યો છે. 12 વર્ષ પહેલાં માત્ર 546 ગ્રામ પંચાયતો જોડાયેલી હતી, જ્યારે આજે 2.14 લાખથી વધુ ગ્રામ પંચાયતો ભારતનેટ સાથે જોડાઈ ચૂકી છે.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પ્રમાણપત્રો, અરજીઓ અને નાગરિક સેવાઓ હવે ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા સરળતાથી ઉપલબ્ધ બનતાં પારદર્શિતા, ઝડપ અને સુવિધામાં વધારો થયો છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે ડિજિટલ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગથી છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ પહોંચાડવામાં સફળતા મળી છે અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂતી મળી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments