
પેસેન્જરોની મુસાફરી માટે રેપિડો કંપની દ્વારા પ્રાઈવેટ વાહનોનો પેસેન્જર વાહન તરીકે બેફામ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની રિટ અરજી દાખલ કરવામાં આવી છે.

રીક્ષા વેલ્ફેર એસોસીએશન તરફથી દાખલ કરાયેલી આ અરજી પર સુનાવણી હાથ ધરતા હાઇકોર્ટે સમગ્ર મામલે રાજ્ય સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે કડક હુકમ કર્યો છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસો પર મુલતવી રાખી છે.

અદાલત સમક્ષ અરજદારપક્ષ તરફથી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કે, રેપિડો કંપની દ્વારા નીતિ-નિયમોને નેવે મૂકીને મોટા પાયે પ્રાઇવેટ વાહનોનો પેસેન્જર ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ મુજબ, કોઈપણ કંપની આ પ્રકારે ખાનગી નંબર પ્લેટ ધરાવતા વાહનોનો ઉપયોગ વ્યાવસાયિક કે કોમર્શીયલ વાહન તરીકે કરાવી શકે નહીં. અરજદારોએ કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે અગાઉ તેઓની રજૂઆતોને પગલે તંત્ર દ્વારા રેપીડો કંપનીનું લાયસન્સ એક મહિના માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું હતુ, પરંતુ તે ગાળો વીતી ગયા બાદ સત્તાધીશો દ્વારા કંપની સામે કોઈ નક્કર કે કાયમી પગલાં લેવામાં આવ્યા નથી.

આ કેસની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે પણ આ બાબતને ગંભીર ગણાવીને સરકારપક્ષ સામે આકરી ટકોર કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ખાનગી વાહનો દ્વારા જો આ પ્રકારે ગેરકાયદેસર કોમર્શીયલ ઉપયોગ ચાલુ રહેશે તો તેનાથી રાજ્ય સરકારની તિજોરીને પણ મોટું આર્થિક નુકસાન થાય છે.

આ ઉપરાંત, જે નાગરિકોએ કાયદાનું પાલન કરીને પોતાના વાહનોનું વિધિવત કોમર્શીયલ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ટેક્સ ભરે છે, તેઓના વ્યવસાયને પણ આ પ્રવૃત્તિથી મોટું નુકસાન થઇ રહ્યું છે.

સુનાવણી દરમિયાન નામદાર હાઈકોર્ટે સરકારને એક મહત્વનું સૂચન પણ કર્યું હતું કે, આ વિવાદના ઉકેલ માટે સરકાર એવા ખાનગી વાહનો, જેનો ઉપયોગ હાલ કોમર્શીયલ રીતે થઈ રહ્યો છે, તેમને નિયત સમય મર્યાદા આપીને કોમર્શીયલ વાહનમાં કન્વર્ટ કરવાનો વિકલ્પ આપી શકે છે.

આ નીતિ અપનાવવાથી નિયમોનું પાલન થશે અને સાથે-સાથે રાજય સરકારની આવકમાં પણ મોટો વધારો થઈ શકે તેમ છે. હાઇકોર્ટે આ તમામ કાયદાકીય અને વ્યવહારિક પાસાઓ પર આગામી અઠવાડિયામાં પોતાનું વલણ સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માટે સરકારને આદેશ કરીને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં નિયત કરી છે.





















