
આપણે સૌ એકથી વધુ ઇમેઇલ એકાઉન્ટ ધરાવતા હોઇએ છીએ. કમ સે કમ પર્સનલ અને પ્રોફેશનલ ઉપયોગ માટે તો અલગ અલગ ઇમેઇલ એડ્રેસ હોય જ.

આવી જરૂરિયાત હવે વોટ્સએપ સુધી વિસ્તરી છે. અગાઉ આપણા એક જ વોટ્સએપ એકાઉન્ટથી કામ ચાલી જતું. આપણે તેના પર પર્સનલ અને પ્રોફેશનલ બંને પ્રકારના કોન્ટેક્ટ્સ સાથે ટચમાં રહેતા હતા. હવે ઘણા લોકોને અંગત અને વ્યાવાસાયિક ઉપયોગ માટે અલગ અલગ નંબર પર વોટ્સએપ એકાઉન્ટ ચલાવવાની જરૂર ઊભી થઈ છે. ધ્યાન આપજો – ફોન એક જ, પણ બે ફોન નંબર સાથેનાં બે વોટ્સએપ એકાઉન્ટ.

જો તમે ઓફિસ ઉપયોગ માટે વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરતા હો તો આ વાત ઘણી સહેલી બને છે. તેમાં અંગત ઉપયોગ માટે રેગ્યુલર વોટ્સએપ એપ અને ઓફિસ ઉપયોગ માટે બીજા નંબર પર વોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ થતો હોય તો તમે સહેલાઇથી એક જ ફોનમાં બંને અલગ અલગ પ્રકારની વોટ્સએપ ઇન્સ્ટોલ કરી શકો છો.

આ બંને એપ બિલકુલ અલગ અલગ એપ તરીકે કામ કરે છે અને તેમાં આપણું બધું જ કમ્યુનિકેશન અલગ અલગ રીતે જળવાય છે. પરંતુ, જો તમે અંગત અને ઓફિસ, બંને ઉપયોગ માટે રેગ્યુલર વોટ્સએપ એપનો ઉપયોગ કરતા હો તો એક જ ફોનમાં બે રેગ્યુલર વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ શક્ય નહોતો. પછી વોટ્સએપે વાત સહેલી કરી આપી.

એ કારણે એન્ડ્રોઇડ એપમાં આપણે એક જ વોટ્સએપ એપમાં બે વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ફોનમાં વોટ્સએપ એપ ઓપન કરી, તેના સેટિંગ્સમાં જઇને બીજું રેગ્યુલર વોટ્સએપ એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ. આ પછી જ્યારે ઇચ્છીએ ત્યારે વોટ્સએપ એપ ઓપન કરીને તેમાં એકાઉન્ટ સ્વિચ કરી શકીએ છીએ. આ રીતે એક ફોનમાં, એક એપમાં વધુમાં વધુ બે વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકાય છે.

એન્ડ્રોઇડમાં લાંબા સમયથી ઉપલબ્ધ આ સુવિધા હવે આઇફોનમાં પણ ઉપલબ્ધ થઈ ગઈ છે.

આમ તો વોટ્સએપ કંપનીએ આ વર્ષની શરૂઆતમાં જ આ ફીચર આઇફોનમાં આવી રહ્યું હોવાની જાહેરાત કરી હતી પરંતુ તે મર્યાદિત પ્રમાણમાં યૂઝર્સને ઉપલબ્ધ થયું હતું. હવે તે વ્યાપક પ્રમાણમાં વધુ યૂઝર્સને ઉપલબ્ધ થવા લાગ્યું છે.

એ કારણે એન્ડ્રોઇડની જેમ જ, તમે પોતાના આઇફોનમાં પણ એક જ વોટ્સએપ એપમાં બે રેગ્યુલર વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો!





















