HomeAllએન્જિનિયરિંગ વોટર હાર્વેસ્ટિંગ મોડેલ બન્યું દેશનું રોલ મોડેલ, ભૂગર્ભ જળ અને ખારાશની...

એન્જિનિયરિંગ વોટર હાર્વેસ્ટિંગ મોડેલ બન્યું દેશનું રોલ મોડેલ, ભૂગર્ભ જળ અને ખારાશની સમસ્યાનો ઉકેલ

“જળ એ જ જીવન છે.”: આ માત્ર એક કહેવત નથી, પણ માનવજાતનું ભવિષ્ય છે! કમનસીબે, પાણી બચાવવાને બદલે આજે એનો બેફામ વ્યય થઈ રહ્યો છે, જેના લીધે ‘શું ભવિષ્યમાં પીવાનું પાણી મળશે?’ એ સવાલ વિકરાળ બની રહ્યો છે. પરંતુ, આ જળ સંકટને દૂર કરવા માટે નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે એક ઐતિહાસિક અભિયાન છેડ્યું છે. ગણદેવીના આઠ ગામોથી શરૂ થયેલું ‘એન્જિનિયરિંગ વોટર હાર્વેસ્ટિંગ નવસારી મોડેલ’ આજે ભૂગર્ભ જળ ઊંચા લાવવા અને દરિયાની ખારાશ ઘટાડવા માટે દેશનું રોલ મોડેલ બની રહ્યું છે!

ચોંકાવનારી વાત એ છે કે નવસારી જિલ્લામાં પાછલા 5 વર્ષનો સરેરાશ વરસાદ 95 ઇંચ જેટલો નોંધાયો છે! આટલો ભારે વરસાદ પડે છતાં યોગ્ય જળ સંચયના અભાવે લોકોને મીઠા પાણી માટે તરસવું પડતું હતું. એટલું જ નહીં, કાંઠાના વિસ્તારોમાં દરિયાનું ખારું પાણી જમીનમાં આગળ વધી રહ્યું હતું, જેના કારણે ભૂગર્ભ જળના સ્તર ઊંડા જઈ રહ્યા હતા. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સી. આર.પાટીલે નિષ્ણાત વૈજ્ઞાનિકોની ટીમને નવસારીના ગણદેવી તાલુકામાં ઉતારી અને ભૌગોલિક સ્થિતિનો ચોક્કસ તાગ મેળવ્યો.

શું છે ‘એન્જિનિયરિંગ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ’? : વૈજ્ઞાનિક સર્વે બાદ આ સમસ્યાનો માસ્ટર સોલ્યુશન શોધાયો — એન્જિનિયરિંગ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ. પ્રથમ તબક્કામાં ગણદેવીના 22માંથી 8 ગામો પસંદ કરી જળ સંચય માટે ખાસ PRB સ્ટ્રક્ચર અને અલગ-અલગ સ્તરના બોર બનાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા વરસાદી પાણીને સીધું જમીનના ઊંડાણ સુધી ઉતારવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, ગામડાંના તળાવો, કાંસ, નહેર અને ખાડીઓને 30 કિલોમીટર લાંબી પાઇપલાઇનથી જોડીને આ બોર અને સ્ટ્રક્ચર સાથે કનેક્ટ કરવામાં આવશે!

મોહનપુર અને અંચેલીમાં ખુશીની લહેર: 4 હજારથી વધુ ખેડૂતોને થશે સીધો ફાયદો : આ પ્રોજેક્ટની તાકાત એ છે કે પ્રથમ વરસાદમાં જ લાખો લિટર પાણી જમીનમાં રિચાર્જ થઈ ચૂક્યું છે! દેશનો સૌપ્રથમ એવો આ પ્રોજેક્ટ ગણદેવીના મોહનપુર ગામમાં આકાર લઈ રહ્યો છે. આ સફળતાથી મોહનપુર અને અંચેલી ગામના લોકોમાં ભારે ઉત્સાહ છે. ભૂગર્ભ જળ ઊંચા આવવાથી અને ખારાશ ઘટવાથી હવે ચોમાસામાં પાણી ભરાવાની મુશ્કેલી તો દૂર થશે જ, પણ સાથે જ ઉનાળામાં સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. આ પ્રોજેક્ટથી મોહનપુર અને આજુબાજુના 4000થી વધુ ખેડૂતોનું ભવિષ્ય રોશન થશે, જેના કારણે ગ્રામજનો સરકારનો દિલથી આભાર માની રહ્યા છે.

પાણી બચાવવાની આ વૈજ્ઞાનિક પહેલ માત્ર નવસારી જ નહીં, પણ સમગ્ર દેશ માટે એક નવી દિશા ચીંધશે. નવસારીનું આ મોડેલ સાબિત કરે છે કે જો યોગ્ય આયોજન અને ટેક્નોલોજીનો સંગમ થાય, તો કુદરતના આશીર્વાદ જેવા વરસાદી પાણીને બચાવીને ભવિષ્યને સદા માટે સુરક્ષિત કરી શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments