
વડોદરામાં: પૂર પરિસ્થિતિની ભીતિથી અનેક પરિવારોને સુરક્ષિત સ્થાનોએ ખસેડાયા : રાજકોટ, તા.31 ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ અનેક જિલ્લાઓ પાણી-પાણી થયા હતા. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રહ્યું છે. અમદાવાદ-વડોદરા-નવસારી સહિતના જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવ્યા હતા. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે આજે અને કાલે અમુક ભાગોમાં મેઘતાંડવ સર્જાવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. રાજ્યના અનેક ભાગોમાં મોડીરાતથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ સવારથી જોર વધવા લાગ્યું હતું.

નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની હાલત સર્જાઇ હતી. રાજ્યમાં આજે સવારે પુરા થયેલા 24 કલાક દરમિયાન 84 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયા બાદ સવારથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો. આજે સવારે 6 થી 8 દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તથા ગરૂડેશ્વરમાં બે કલાકમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા ભાગો જળબંબાકાર બની ગયા હતા. તંત્ર વધુ એલર્ટ બન્યું હતું અને જોખમી વિસ્તારોમાંથી સ્થળાંતર કાર્યવાહી શરુ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત નર્મદાના જ નાંદોડમાં બે કલાકમાં 3.54 ઇંચ, તિલકવાડામાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો હતો.

મહિસાગરના બાલાસીનોરમાં બે કલાકમાં 2.64 ઇંચ, આણંદમાં 2.20 ઇંચ પાણી વરસ્યું હતું. વડોદરામાં પણ ધોધમાર વરસાદ રહ્યો હતો અને સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તમામ માર્ગો પાણી… પાણી થઇ ગયા હતા. પુરની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા ભાગોમાંથી અનેક પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

છોટા ઉદેપુરના નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ, આણંદના બોરસદમાં 1.65 ઇંચ, નીજરમાં 1.57 ઇંચ, ડભોઇમાં 1.34 ઇંચ, ઉમરેઠમાં 1.22 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.22 ઇંચ, સિનોરમાં 1.18 ઇંચ, વાઘોડીયામાં 1.14 ઇંચ, પાદરામાં 1.14 ઇંચ, દેસરમાં 1.10 ઇંચ વરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરમાં અશ્વિન નદીમાં ઘોડાપુર સર્જાતા દુકાનો ખાલી થવા લાગી હતી. સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આસપાસના ગામડાઓમાં ફફડાટ સર્જાયો હતો. સવારે બે કલાકમાં રાજ્યના 82 તાલુકામાં સામાન્ય ઝાપટાથી માંડીને ભારે વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાંથી 31 જુલાઇ અને 1 ઓગસ્ટે વરસાદનું જોર વધુ રહેવાની ચેતવણી આપવામાં આવી હોવાનું અત્રે ઉલ્લેખનીય છે. સરકારી તંત્રના રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે વડોદરાના પાદરામાં 20 પરિવારોના 70 લોકોને સુરક્ષીત સ્થાનોએ ખસેડવામાં આવ્યા હતા. ગંભીરામાં શાળામાં લોકોને આશરો આપવામાં આવ્યો હતો. હવામાન વિભાગનું અનુમાન ખોટુ પડ્યું અલ-નીનો `આડુ’ ન આવ્યુઃ જુલાઇ મહિનાનો વરસાદ નોર્મલસ્તરે નોંધાયો નવી દિલ્હી, તા.31 અલ-નીનોના નેટેગીવ પ્રભાવ હેઠળ જુલાઇમાં વરસાદ સરેરાશ કરતા 94 ટકાથી પણ ઓછો રહેવાની હવામાન વિભાગની આગાહી ખોટી પડી હોય તેમ ચાલુ મહિનામાં નોર્મલ વરસાદ થઇ ગયો છે.

અલ-નીનોનું કોઇ વિઘ્ન ન સર્જાયાનું ચિત્ર ઉપસ્યું છે. ભારતમાં 30 જુલાઇની સ્થિતિએ સરેરાશ 277.1 મીમી વરસાદ નોંધાયો છે. દેશમાં નોર્મલ વરસાદનું પ્રમાણ 271.9 મીમી હોય છે. એટલે આજના છેલ્લા દિવસના આંકડાને ઉમેરતા નોર્મલથી પણ વધુ વરસાદ થઇ જવાનું માનવામાં આવે છે. જો કે, વરસાદની માત્રામાં જુદા-જુદા ભાગોમાં મોટો તફાવત જોવા મળ્યો હતો.

દેશના મધ્ય ઝોનમાં જુલાઇનો વરસાદ નોર્મલ કરતાં 29 ટકા વધુ રહ્યો છે. જ્યારે પૂર્વ તથા પૂર્વોત્તર ભારતમાં 30 ટકા તથા દક્ષિણ ભારતમાં 28 ટકાની ખાદ્ય રહી છે. 1લી જુનથી શરૂ થયેલી ભારતીય ચોમાસુ સીઝનની વરસાદની ખાદ્ય વર્તમાન સ્થિતિએ 14 ટકાની રહી છે. જુલાઇમાં એકથી વધુ વખત નવી વરસાદી સિસ્ટમ સર્જાવાથી વરસાદ પડ્યો હતો અને તેને કારણે દુષ્કાળની સ્થિતિનો ભય ઘણા અંશે હળવો થતો હતો.


















