
એપલ કારપ્લે યુઝર્સ માટે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. હવે કારપ્લેમાં સીધી WhatsApp એપનો ઉપયોગ કરી શકાશે. થોડા સમય પહેલાં ChatGPT એપ કારપ્લેમાં ઉપલબ્ધ બની હતી, અને હવે વોટ્સએપ પણ તેમાં જોડાતા યુઝર્સને વધુ સગવડ મળશે.

હાલ સુધી કારપ્લેમાં વોટ્સએપ મેસેજ મોકલવા અથવા વાંચવા માટે Siriની મદદ લેવી પડતી હતી. પરંતુ હવે કારપ્લેમાં સીધી વોટ્સએપ એપ મળતાં ડ્રાઇવિંગ દરમિયાન ઓછા અવરોધ સાથે મેસેજિંગ કરી શકાશે. યુઝર્સ મેસેજ વાંચી પણ શકશે અને મોકલી પણ શકશે.

કારપ્લે માટેની વોટ્સએપ એપમાં ત્રણ મુખ્ય ટેબ આપવામાં આવ્યા છે. પહેલી ટેબમાં ચેટ લિસ્ટ જોવા મળશે, જેમાં ખાસ કરીને નવા અને ન વાંચેલા મેસેજની માહિતી મળશે. બીજી ટેબમાં કોલ હિસ્ટ્રી આપવામાં આવી છે, જેમાં ઇનકમિંગ, આઉટગોઇંગ અને મિસ્ડ કૉલ્સની વિગતો જોઈ શકાશે.

ત્રીજી ટેબમાં ફેવરિટ કોન્ટેક્ટ્સ હશે, જેથી વારંવાર સંપર્ક કરતા લોકો સુધી ઝડપથી પહોંચી શકાશે. આ લિસ્ટ iPhoneના ફેવરિટ કોન્ટેક્ટ્સ સાથે સિંક્ડ રહેશે.

આ ઉપરાંત WhatsAppની આઇફોન એપમાં વોઇસ કૉલ માટે ‘નોઇસ કેન્સલેશન’ સુવિધા પણ ઉમેરાઈ રહી છે. આ ફીચરથી આસપાસ ઘોંઘાટ હોય ત્યારે પણ કૉલ વધુ સ્પષ્ટ રીતે કરી શકાશે.

વોટ્સએપ સ્ટેટસ અપડેટ્સને વધુ પ્રોમિનન્ટ બનાવવા માટે પણ કંપની કામ કરી રહી છે. હાલમાં સ્ટેટસ જોવા માટે પ્રોફાઇલ ફોટો પર રિંગ ક્લિક કરવી પડે છે અથવા ‘Updates’ ટેબમાં જવું પડે છે. હવે નવા અપડેટ મુજબ ‘Chats’ ટેબમાં જ નવા મેસેજ ઉપર સ્ટેટસ અપડેટ્સ પણ દેખાશે, જેથી યુઝર્સને વધુ સરળતા મળશે.













