HomeAllઘૂંટુના રામકો વિલેજમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, ગ્રામજનોએ તંત્ર સમક્ષ...

ઘૂંટુના રામકો વિલેજમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા, ગ્રામજનોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી

જયદેવ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી, તા. 21 જૂન : મોરબી તાલુકાના ઘૂંટુ ગામ સ્થિત રામકો વિલેજ સોસાયટીના રહિશોએ છેલ્લા છ મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી જિલ્લા અને તાલુકા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી છે.


ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા છ મહિનાથી વિસ્તારમાં નિયમિત પીવાનું પાણી મળતું નથી. જેના કારણે મહિલાઓ, બાળકો અને વડીલોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછતના કારણે ગ્રામજનોને આર્થિક તેમજ શારીરિક હાલાકી વેઠવી પડી રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.


ગ્રામજનોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત ગામના સરપંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ સમસ્યાના ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ દ્વારા તેમને નિરાશાજનક અને બિનજવાબદાર જવાબ આપવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે.


ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક ધોરણે ટેન્કર દ્વારા પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે. ઉપરાંત પાણી પુરવઠાની લાઇનમાં રહેલી ટેકનિકલ ખામીઓ અથવા અન્ય અનિયમિતતાઓની તપાસ કરીને કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.


રજૂઆતના અંતે ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં સમસ્યાના નિરાકરણ માટે હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના સ્વાગત કાર્યક્રમ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા મજબૂર બનશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments