HomeAllજેતપર ખેડૂત આંદોલનને મળ્યો વ્યાપક જનસમર્થન, દરરોજ ઉપવાસ છાવણીમાં પહોંચવા પાટીદાર યુવા...

જેતપર ખેડૂત આંદોલનને મળ્યો વ્યાપક જનસમર્થન, દરરોજ ઉપવાસ છાવણીમાં પહોંચવા પાટીદાર યુવા સેવા સંઘની હાંકલ

રબી, તા. 21 જૂન : મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનોમાંથી પસાર થનારી હેવી વીજલાઈન સામે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને દિવસેને દિવસે વધુ જનસમર્થન મળી રહ્યું છે. આંદોલનના સમર્થનમાં શુક્રવારે મોરબીના રવાપર વિસ્તારમાં પાટીદાર યુવા સેવા સંઘના નેજા હેઠળ વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે હાલ વિવિધ વિસ્તારોમાં નવી વીજલાઈનોના સર્વે ચાલી રહ્યા છે અને આગામી સમયમાં અનેક નવી લાઈનો આવવાની શક્યતા છે. જેના કારણે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ શહેરોમાં વસવાટ કરતા લોકો, બિલ્ડરો અને રોકાણકારો પણ અસરગ્રસ્ત બની શકે છે. તેમણે લોકોને આ મુદ્દે સમયસર જાગૃત થવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે જેતપરના ખેડૂતોએ પોતાના હક્ક માટે શરૂ કરેલી લડત હવે સમગ્ર સમાજની લડત બની ગઈ છે. આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી સહિત આસપાસના વિસ્તારોના લોકોને દરરોજ સાંજે જેતપર ખાતે આવેલી ઉપવાસ છાવણીમાં હાજરી આપવા હાંકલ કરવામાં આવી હતી.

જાહેરસભામાં જેતપર ગામના સંઘર્ષમય ઇતિહાસનો ઉલ્લેખ કરતાં મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે ગામે અનેક પ્રસંગોએ સમાજહિતના પ્રશ્નો માટે લડત આપી છે અને હાલ પણ ખેડૂતોના હક્ક માટે અડગ રહીને સંઘર્ષ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આંદોલન માત્ર વળતરની રકમનો મુદ્દો નથી, પરંતુ ખેડૂતોની માલિકી, જમીનના હક્ક અને ભવિષ્યની પેઢીના હિત સાથે જોડાયેલો પ્રશ્ન છે.

શહેરમાં વસતા લોકો સુધી ખેડૂતોની વ્યથા પહોંચે તે માટે પણ સભામાં વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતોને તેમની મંજૂરી વિના જમીનનો ઉપયોગ કરવા માટે મજબૂર કરવાના મુદ્દે ઉદાહરણો આપી લોકોને સમગ્ર પરિસ્થિતિથી અવગત કરવામાં આવ્યા હતા.

સભા પૂર્ણ થયા બાદ ખેડૂતોના સમર્થનમાં તૈયાર કરાયેલા બેનરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોરબી શહેરની વિવિધ સોસાયટીઓ, મહોલ્લાઓ, વેપારી વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં લોકો દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનના બેનરો લગાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે વિશ્વની અગ્રણી ખાનગી કંપનીઓ માટે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવું કોઈ મોટી બાબત નથી, છતાં ખેડૂતોના હક્કના પ્રશ્ને કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતી નીતિઓ સામે હવે સંગઠિત લડત આપવાનો સમય આવી ગયો છે. જેતપરના ખેડૂતોએ શરૂ કરેલી લડતને વધુ વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો યોજાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments