HomeAllગોર ખીજડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, 20...

ગોર ખીજડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, 20 કૃષિ પ્રદર્શન સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા

મોરબી, તા. 21 જૂન : કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગોર ખીજડીયા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતીમાં વધતા ઉત્પાદન ખર્ચને ઘટાડવા તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક અને ગૌ-આધારિત ખેતી પદ્ધતિઓ અપનાવવી સમયની જરૂરિયાત છે. તેમણે ખેડૂતોને આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા અને નવીન કૃષિ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કૃષિ ક્ષેત્રે થયેલા આધુનિક સંશોધનો તેમજ ‘વિકસિત ભારત-2047’ના રાષ્ટ્રીય સંકલ્પ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રત્યક્ષ માહિતી મળી રહે તે માટે કાર્યક્રમ સ્થળે 20 માહિતીપ્રદ કૃષિ સ્ટોલ્સનું વિશેષ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત બનાવવાની પદ્ધતિ, આચ્છાદન (મલ્ચિંગ), વાપસા ટેકનિક, ગૌ-આધારિત કૃષિ મોડેલ્સ તથા વિવિધ જૈવિક ઇનપુટ્સ અંગે જીવંત પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા.

ઉપસ્થિત ખેડૂતોએ સ્ટોલ્સની મુલાકાત લઈ કૃષિ વૈજ્ઞાનિકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી અને જમીનની ફળદ્રુપતા જાળવવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા વધુ ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા અંગે મહત્વપૂર્ણ તકનીકી માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, નાયબ ખેતી નિયામક કે.જી. પરસાણિયા, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર તથા નાયબ ખેતી નિયામક કે.એમ. ડાભી, નાયબ બાગાયત નિયામક વી.એચ. નકુમ, મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણી જયંતિભાઈ રાજકોટિયા, અરવિંદભાઈ વાસદળિયા તેમજ કૃષિ, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.