
ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં રૂા.1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીય્ન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી.

તે અનુસાર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર આ ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ થવા જઇ રહી છે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટેરિયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે.

રાજ્યના નીચે દર્શાવેલા માર્ગો પર ગ્રીન ટેક્નોલોજી અનુસાર કામગીરી કરવામાં આવશે. લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ (પાટણ), રાધનપુર-મશાલી-માધાપુરા રોડ (પાટણ), ભીડીયા સોમનાથ રોડ (ગીર સોમનાથ), સંતરામપુર- ઝાલોદ રોડ (મહીસાગર), દયાદરા- નબીપુર- ઝનોર રોડ (ભરૂચ), ઈલાવ- કોસંબા રોડ (ભરૂચ), મોરબી-નાની વાવડી- બગથળા રોડ (મોરબી), સુરેન્દ્રનગર બાયપાસ રોડ (સુરેન્દ્રનગર), ડીંડોલી-કરડવા-ઇકલેરા રોડ (સુરત), માંગલેજ-નારેશ્વર રોડ (વડોદરા), કોસીન્દ્રા-ભાખા રોડ (છોટા ઉદેપુર), કરજણ-આમોદ રોડ (વડોદરા), ઇસરવાડા- ઉંદેલ રોડ (આણંદ), વાલમ- કડી રોડ (મહેસાણા), પેપળુ- કાપરા રોડ (મહેસાણા), લુણી-ગુંદાલા-પત્રી-ટપ્પર- બાબીયા રોડ (કચ્છ), વડતાલ- જોળ- બાકરોલ રોડ (આણંદ), તળાજા-ગોપનાથ રોડ (ભાવનગર), કાલાવડ- જામવંથલી- ફલ્લા રોડ (જામનગર) અને કોઠારા એપ્રોચ રોડ (નર્મદા)ની કામગીરી કરાશે.

આ માર્ગો પર રોડને પહોળા કરવાનું કામ, આર.સી.સી ગટરલાઈન, રિસર્ફેસિંગ, પ્રોટેક્શન વર્ક, ફોર લેન, માટીકામ, રમ્બલ સ્ટ્રીપ, રોડ ફર્નિચર, સાઇડ શોલ્ડર, વ્હાઇટ ટોપિંગ, ગ્લાસ ગ્રીડ સહિતની કામગીરી અલગ અલગ રોડની જરૂરિયાતો અનુસાર કરવામાં આવશે. આ રસ્તાઓ પર પર્યાવરણને અનુકૂળ (ક્લાયમેટ રેઝિલ્યન્ટ) અને નવી ટેક્નોલોજી અનુસાર કામગીરી કરવામાં આવશે. ગ્રીન ટેક્નોલોજીની કામગીરીમાં હયાત રોડની જૂની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમાં રોડને ઉખાડીને ત્યા ચૂનો પાથરવામાં આવે છે. આ સામગ્રીને પલ્વરાઈઝ (ભૂકો) કરીને તેનું રોલિંગ કરીને સ્થિર કરવામાં આવે છે. ત્યારબાદ રોડની ઉખાડેલી જૂની સામગ્રીને આ સપાટી પર પાથરીને ડ્રાય રોલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર સિમેન્ટ સ્પ્રેડર મશીનથી સિમેન્ટ પાથરીને તેના પર કેમિકલ સાથેની સિમેન્ટનું સ્ટેબિલાઇઝેશન કરવામાં આવે છે. ત્યારબાદ પેડ ફુટ રોલર, ગ્રેડર તથા ન્યૂમેટિક ટાયર રોલરથી તેનું લેવલિંગ અને કોમ્પેકેશન કરવામાં આવે છે.

આ કામગીરીના સાત દિવસ બાદ નોન વુવન મટેરિયલ-સ્ટ્રેસ એબ્ઝોર્બિંગ મેમ્બ્રેન (જઅખઈં) પાથરીને તેના પર ડામરનું આવરણ લગાવવામાં આવે છે. જઅખઈં એક પ્રકારની હાઇટેક ફાઇબર શીટ હોય છે, જે ડામર પાથરતા પહેલા લગાવવામાં આવે છે. તે તિરાડોને ઉપર આવતા રોકે છે, ગાડીઓના પ્રેશરને શોષવામાં મદદરૂપ થાય છે અને રોડનું આયુષ્ય વધારે છે.























