HomeAllગુજરાત બનશે સંપૂર્ણ ઇલેક્ટ્રિક : સરકારી બસો હવે દોડશે વીજળીથી!

ગુજરાત બનશે સંપૂર્ણ ઇલેક્ટ્રિક : સરકારી બસો હવે દોડશે વીજળીથી!

ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અને EV ઉત્પાદનને વેગ આપવા સરકાર લાવી રહી છે નવી પોલિસી ; BRTS, AMTS અને GSRTC ની થશે કાયાકલ્પ ગુજરાત સરકાર પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત જાહેર પરિવહન તરફ એક મોટું પગલું ભરવા જઈ રહી છે.

રાજ્ય સરકારે હવે ડીઝલથી ચાલતી બસોને તબક્કાવાર બંધ કરીને તેની જગ્યાએ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બસો (EV) લાવવાનો નિર્ણય કર્યો છે. આ મોટો ફેરફાર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની એસ.ટી. બસો તેમજ અમદાવાદ જેવા શહેરોમાં ચાલતી BRTS અને AMTS બસોમાં જોવા મળશે.

આ નિર્ણયથી કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે અને લોકોને સ્વચ્છ પરિવહન મળશે. નવી EV પોલિસી ટૂંક સમયમાં જાહેર થશે આ પરિવર્તન સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી અંતર્ગત કરવામાં આવશે, જે ટૂંક સમયમાં જ બહાર પડી શકે છે. અગાઉ વર્ષ 2021માં ગુજરાતે પ્રથમ EV પોલિસી જાહેર કરી હતી. જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલરની ખરીદી પર સબસિડી આપવામાં આવી હતી.

પરંતુ રાજ્યમાં પૂરતાં પ્રમાણમાં ચાર્જિંગ સ્ટેશનો ન હોવાને કારણે તેનો જોઈએ તેવો પ્રભાવ પડ્યો ન હતો અને ગુજરાત ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં પાછળ રહી ગયું હતું. હવે ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક વધશે અને હાઇવે પર પણ સુવિધા મળશે સરકારનાં એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યાં અનુસાર, નવી પોલિસીમાં સમગ્ર ગુજરાતમાં ચાર્જિંગ સ્ટેશનો વધારવા પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવશે. અત્યારે મોટા શહેરોમાં ચાર્જિંગ પોઇન્ટ્સ છે, પરંતુ નાના નગરો અને ગામડાઓમાં તેની ભારે અછત છે. હાઇવે પર પણ ચાર્જિંગની પૂરતી સુવિધા ન હોવાથી લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદતા અચકાતા હતા. હવે આ સમસ્યા દૂર કરવામાં આવશે. આ ઉપરાંત, સરકારી વાહનોને પણ ધીમે-ધીમે ઇલેક્ટ્રિકમાં બદલવાની યોજના છે. વડાપ્રધાનના પેટ્રોલ-ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવાના આહવાનને ધ્યાનમાં રાખીને સરકાર આ નવી નીતિ તૈયાર કરી રહી છે.

ચાર્જિંગ સ્ટેશન ખોલવા માટે મળશે આકર્ષક લાભો નવા ચાર્જિંગ સ્ટેશનો ઝડપથી શરૂ થાય તે માટે સરકાર પ્રોત્સાહનો આપવાનું વિચારી રહી છે. તેમાં નાણાકીય સબસિડી આપવાની સાથે-સાથે ચાર્જિંગ સ્ટેશન માટે જમીન મેળવવામાં અને તેના ભાડાના ખર્ચમાં પણ વિશેષ છૂટછાટો આપવામાં આવી શકે છે.

સાણંદ અને મંડલ-બેચરાજી બનશે EV હબ ગુજરાત ઓટોમોબાઇલ સેક્ટરમાં પહેલેથી જ આગળ છે અને હવે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં પણ અગ્રેસર બનવા જઈ રહ્યું છે. સાણંદ અને મંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન (MBSIR) ઇલેક્ટ્રિક વાહનો અને તેને લગતાં ઉદ્યોગોના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે. અહીં EV બેટરી અને તેના સ્પેરપાર્ટ્સ બનાવવા માટે મોટું રોકાણ આવી રહ્યું છે. નવી પોલિસીમાં EV ઉદ્યોગોને જમીનની ફાળવણીમાં પ્રાધાન્ય આપવામાં આવશે, તેમજ ગુજરાતને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનનું નંબર-1 હબ બનાવવા માટે વધારાનાં ફાયદાઓ પણ જાહેર થઈ શકે છે.

ભારતીય રેલવે 99.6 ટકા ઇલેક્ટ્રિક થઈ દેશભરમાં રેલવેના સંપૂર્ણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ અંતિમ તબક્કામાં છે, જેમાં ગુજરાતે પોતાનાં બ્રોડગેજ રેલવે નેટવર્કનું 100 ટકા ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ કરી લીધું છે. દેશનાં કુલ બ્રોડગેજ રૂટમાંથી આશરે 99.6 ટકા (69,420 કિલોમીટરથી વધુ) રૂટ હવે વીજળીથી ચાલે છે અને માત્ર 300 કિલોમીટરથી ઓછો રૂટ જ બાકી રહ્યાં છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments