
ગુજરાતમાં: ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના જુલાઈ-સવારે 08 કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના 13 ડેમ 100 ટકા ભરાયા છે જ્યારે 21 ડેમ માટે ’હાઈ એલર્ટ’ પર જાહેર કરવામાં આવી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 ખઈઋઝ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

આ વર્ષે 54 ટકાની સામે ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ 207 જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો. જ્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના 206 મુખ્ય જળસંગ્રહ સ્થાનોમાં કુલ 2,53,336 MCFT જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 45.41 ટકા છે. રાજ્યમાં 13 જળાશયો 100 એટલે કે સંપૂર્ણ ભરાયેલા છે. આ ઉપરાંત 26 જળાશય 90 થી 100 ટકા, 28 જળાશયો 50 થી 70 ટકા, 55 જળાશય 25 થી 50 તેમજ 84 જળાશયો 25 ટકા થી ઓછા ભરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 05 જળાશયો એલર્ટ પર જ્યારે 13 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં સૌથી વધુ 27,412 ક્યુસેક પાણીની આવક સામે 37 હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે જ્યારે ઉકાઈ જળાશયમાં 11,689 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. આમ રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ એમ કુલ 09 જળાશયોમાં 1,200 થી 27 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50 ટકાથી વધુ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 45 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ તેમજ કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછો 25 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.




























