
કેન્દ્ર સરકારે : ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા અને સંગ્રહખોરી અટકાવવા માટે મોટો આદેશ આપ્યો છે, જેના હેઠળ હવે દેશમાં કોઈપણ ડીલર 30 નવેમ્બર સુધી કોઈપણ સમયે 400 ટનથી વધુ ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. આ આદેશ 1 ઓગસ્ટથી અમલમાં આવશે અને વેપારીઓએ 1 ઓગસ્ટ સુધીમાં તેમનો વધારાનો સ્ટોક ખાલી કરવાનો રહેશે. આ સાથે ડીલરોએ ખાંડ મળ્યાની તારીખથી 30 દિવસની અંદર તેનું વેચાણ કરવાનું રહેશે. ખાદ્ય મંત્રાલયે ’એસન્શિયલ કોમોડિટીઝ એક્ટ’નો ઉપયોગ કરીને ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર, ખાંડના એક્સ-મિલ ભાવમાં થયેલો તાજેતરનો વધારો માંગ અને પુરવઠાના પાયાનાં સિદ્ધાંતોને અનુરૂપ નથી.

કેટલાક વેપારીઓ અને મધ્યસ્થીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી, અટકળખોરી અને ભૌતિક હિલચાલ વિનાના પેપર ટ્રેડના કારણે બજારમાં કૃત્રિમ અછત ઊભી થઈ છે. આ પગલું ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા, કિંમતોમાં સ્થિરતા જાળવવા અને ખાંડના પુરવઠાને પારદર્શક તથા કાર્યક્ષમ બનાવવા માટે લેવામાં આવ્યું છે. ચોમાસામાં ખાધની આગાહી વચ્ચે કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકારે અગાઉ ખાંડની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જો કે, આ આદેશ સરકારી ખાતામાં રાખવામાં આવેલા ખાંડના સ્ટોક અથવા રાજ્ય સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવેલાં ડીલરોને લાગું પડશે નહીં. સરકારનાં આ કડક પગલાથી બજારમાં અસ્થિરતા અટકશે અને ગ્રાહકોને યોગ્ય પુરવઠો મળતો રહેશે.























