સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના દંત ચિકિત્સક ડો. કોમલ દવેએ બાળકોના દાંતની તપાસ કરી ઓરલ હાઈજીન અંગે માર્ગદર્શન આપ્યું

મોરબીની: વજેપરવાડી સરકારી પ્રાથમિક શાળામાં તા. 29 જુલાઈ, 2026ના રોજ શિશુ વર્ગના બાળકો માટે વિશેષ ‘ડેન્ટલ અને ઓરલ હાઈજીન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના દંત ચિકિત્સક ડો. કોમલ સુરેશચંદ્ર દવેએ બાળકોના દાંતનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને પરીક્ષણ કરી દાંતની સ્વચ્છતા તથા મોંની તંદુરસ્તી જાળવવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

કેમ્પ દરમિયાન ડો. કોમલ દવેએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે ભણતરની સાથે તેમનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. ફાસ્ટ ફૂડ, ચોકલેટ અને વધુ પડતી મીઠી વસ્તુઓના સેવનને કારણે નાની ઉંમરે દાંતનો સડો (કેવિટી) અને પેઢાની સમસ્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આવી સમસ્યાઓથી બચવા માટે નાનપણથી જ દાંતની યોગ્ય સંભાળ અને ઓરલ હાઈજીનની ટેવ વિકસાવવી જરૂરી છે.

બાળકોને પ્રેક્ટિકલ ડેમો દ્વારા બ્રશ કરવાની સાચી પદ્ધતિ સમજાવવામાં આવી હતી. સવારે ઉઠ્યા બાદ અને રાત્રે સૂતા પહેલાં એમ દિવસમાં બે વખત નિયમિત બ્રશ કરવા તેમજ કોઈપણ ખાદ્યપદાર્થ ખાધા પછી ચોખ્ખા પાણીથી મોં સાફ કરી કોગળા કરવાની ટેવ રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડો. કોમલ દવેએ જણાવ્યું હતું કે માત્ર બ્રશ કરવું પૂરતું નથી, પરંતુ જીભની નિયમિત સફાઈ અને પેઢા પર હળવા હાથે મસાજ કરવો પણ જરૂરી છે. તેનાથી મોંમાં બેક્ટેરિયાનું પ્રમાણ ઘટાડવામાં અને દુર્ગંધ જેવી સમસ્યાઓથી બચવામાં મદદ મળે છે. ખાસ કરીને ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાધા બાદ મોં સારી રીતે સાફ કરવાની સલાહ આપવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાનપણથી જ બાળકોમાં ઓરલ હાઈજીન અંગે જાગૃતિ કેળવવામાં આવે તો ભવિષ્યમાં દાંત સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે. દાંતને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન-સી યુક્ત ખોરાક, દૂધ, લીલા શાકભાજી અને ફળોને રોજિંદા આહારમાં સામેલ કરવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.

કેમ્પના અંતે બાળકો અને વાલીઓને દાંતની નિયમિત સંભાળ રાખવા તેમજ દર છ મહિને દંત ચિકિત્સક પાસે દાંતનું ચેકઅપ કરાવવા અપીલ કરવામાં આવી હતી. આ કેમ્પ દ્વારા બાળકોને નાની ઉંમરથી જ દાંત અને મોંની સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



















