અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની આગાહી; સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’

ગાંધીનગર: હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. ખાસ કરીને ૩૧ જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ એમ ૮ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.

આગામી વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબંધિત વિભાગો, જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ પર રહેવા તેમજ જરૂરી સાધનો અને ટીમોનું મેપિંગ કરી તાત્કાલિક એક્શન મોડમાં આવવા સૂચના આપવામાં આવી હતી.

હવામાન વિભાગની આગાહી અનુસાર ૨૯ અને ૩૦ જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ૩૧ જુલાઈએ ૮ જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ રહેશે. ૧ ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ‘ઓરેન્જ એલર્ટ’ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારે પવન અને વરસાદને કારણે સંભવિત અકસ્માતો અટકાવવા માર્ગ અને મકાન વિભાગને મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં જોખમી હોર્ડિંગ્સ, બેનર્સ અને જર્જરિત ઇમારતો અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. કાચા મકાનો, ઝૂંપડપટ્ટી વિસ્તારો અને મજૂર વર્ગ સુધી હવામાનની ચેતવણી તથા આપત્તિ સંબંધિત સંદેશા સમયસર પહોંચાડવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ દરમિયાન પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉથી ૫૩,૬૦૦થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા ૯,૬૦૦થી વધુ નાગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

સંભવિત ભારે વરસાદને પગલે બચાવ અને રાહત કામગીરી માટે તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા જણાવાયું છે. બેઠકમાં NDRF, SDRF, કોસ્ટગાર્ડ, આર્મી, નેવી તેમજ આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



















