
22: રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. સવારે 6:00 થી 10:00 વાગ્યા સુધીમાં 87 તાલુકામાં વરસાદ નોંધાયો છે , જેમાં 8:00 થી 10:00 વાગ્યાની બે કલાકમાં સૌથી વધુ ખેડાના વસોમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેડા જિલ્લામાં 2 કલાકમાં સૌથી વધુ તો 4 કલાકમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં નોંધાયો છે સુરત , વડોદરા , ભરૂચમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. સુરતમાં ખાડીપૂરનું સંકટ મંડરાતા તંત્ર એલર્ટમોડ પર છે. ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે અને થયું પણ એવું જ.

આજે નર્મદા જિલ્લાથી એન્ટ્રી બાદ મેઘરાજાએ હવે ખેડા જિલ્લાનો વારો પાડી દીધો છે. આજે ધોધમાર વરસાદની આ આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ , વડોદરા અને સુરત સહિત 9 જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ‘ વેધર વૉચ ગ્રુપ ‘ ની બેઠકમાં તમામ વિભાગોને સાધનો અને ટીમો સાથે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. તો રાજકોટ , અમરેલી , સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ , રાજ્યભરમાં વહેલી સવારથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વસોમાં 2 કલાકમાં 5 ઇંચ , બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા 3 ઇંચ અને નડિયાદમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં માર્ગો પર નદીઓ જેવા પ્રવાહ વહેતા થયા છે.

વડોદરા , ભરૂચ , ખેડા અને છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે , જેના લીધે રાજવાસણાનો રબર ડેમ ગરકાવ થયો છે. સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ‘ રેડ એલર્ટ ‘ ની આગાહીને પગલે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં NDRF અને SDRF ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. કલેક્ટર તેજસ પરમારના જણાવ્યા અનુસાર , અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. બપોર પછી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હોવાથી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

સુરતના અલગ-અલગ વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને સુરતનું સૂર્યપુર ગરનાળુ વરસાદી પાણીથી ભરાવા લાગતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગરનાળામાં પાણીનું સ્તર વધવાને કારણે અનેક વાહનો અટવાઈ ગયા છે , જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં પૂરનું સંકટ ઘેરાયું છે. કતારગામ , સૂર્યપુર ગરનાળા અને પોદાર આર્કેડ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.

કતારગામમાં ખુલ્લી ગટર અને SMC કર્મચારીઓની બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ , નર્મદાના તિલકવાડામાં SDRF ની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ કર્યું છે , તો રાજપીપળા-સિસોદરા માર્ગ ધોવાઈ જતાં બંધ કરાયો છે. રાજ્યભરમાં SEOC દ્વારા 24×7 સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. વરસાદનું જોર એટલું વધારે છે કે સૂર્યપુર ગરનાળાથી લઈને પોદાર આર્કેડ સુધીનો આખો રોડ જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.

રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જ જગ્યાએ જગ્યાએ લાંબો ટ્રાફિકજામ થઈ ગયો છે અને વાહનચાલકો અટવાઈ પડ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા ( SMC) ની મોટી બેદરકારી સામે આવી છે. રોડ પર ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલી દેવાયું છે , જ્યાં પાણીનું ભમરી જેવું જોખમી વહેણ સર્જાયું છે. આ ખુલ્લી ગટર પાસે કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કે આડશ ન મૂકાતાં અકસ્માતનો મોટો ખતરો ઊભો થયો છે. બીજી તરફ , વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતાં ઉમિયા પરોઠા હાઉસ સહિતની દુકાનોના દરવાજા સુધી પાણી પહોંચી ગયાં છે અને વેપારીઓનાં દુકાનોમાં પાણી ઘૂસી જવાનો ભય મંડરાઈ રહ્યો છે.

સ્થાનિકોને આ માર્ગ પરથી અત્યંત સંભાળીને પસાર થવા અપીલ કરાઈ છે. સુરતમાં કતારગામ અને કતારગામ દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન માટે આરોગ્ય મંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચી કલેક્ટર સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. એક તરફ તંત્ર દ્વારા તમામ આગોતરી તૈયારીઓનો દાવો કરાઈ રહ્યો છે , ત્યારે બીજી તરફ પાણી ભરાયેલી જગ્યાથી માત્ર 500 મીટર દૂર SMC ના કર્મચારીઓ બ્રિજ નીચે પલળવાથી બચવા ઊભા રહીને વાતોમાં મગ્ન દેખાતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરતીઓને ફરીથી પૂરનો સામનો ન કરવો પડે તે માટે પાલિકા તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગૌચરીયા ગામે પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલી એક વ્યક્તિને SDRF ની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લીધી છે. બીજી તરફ , ભારે વરસાદને કારણે રાજપીપળા-સિસોદરા માર્ગ પર આવેલા ડાયવર્ઝન પર પાણી ઓવરટોપિંગ થતાં સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને પાણી ભરાયેલા રસ્તા પર સાહસ ન કરવા ખાસ અપીલ કરાઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાતથી વરસેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસની ભારે આવકના કારણે જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે વહી રહી છે.

નદીમાં ભારે ઘોડાપૂર આવવાના કારણે રાજવાસણા ખાતે નવો બનાવવામાં આવેલો રબર ડેમ પણ પાણીમાં ગરકાવ થઈને ઓવરફ્લો થયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગતાં 3ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 2 મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા.















