
વ્યાસપૂજન, પોથીપૂજન અને કુમારિકા પૂજન સાથે સત્સંગ યોજાયો : મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો

મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે પવિત્ર ગુરુ પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારથી જ આશ્રમમાં ભક્તિમય માહોલ વચ્ચે વ્યાસપૂજન, પોથીપૂજન, કુમારિકા પૂજન, સત્સંગ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધર્મલાભ મેળવ્યો હતો.

ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જગતગુરુઓને વંદન સાથે ગુરુ પરંપરાનું સ્મરણ કરવામાં આવ્યું હતું. વિવિધ ધાર્મિક વિધિઓમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે મહંત ભાવેશ્વરી બેને ભક્તો અને શિષ્યોને પરિવાર, સમાજ અને સંસ્કારોને કેન્દ્રમાં રાખતો સંદેશ આપ્યો હતો.

મહંત ભાવેશ્વરી બેને જણાવ્યું હતું કે, સમાજમાં એકતા અને સંગઠનની ભાવના મજબૂત બને તે માટે યુવાનો અને બહેનોએ સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. પોતાના ઘરથી જ એકતા અને સારા સંસ્કારોની શરૂઆત કરી સમાજને સંગઠિત રાખવા માટે સૌએ પ્રયત્નશીલ રહેવું જોઈએ.

શિષ્યોને સંદેશ આપતાં તેમણે વ્યસન, વેર અને વેમનો ત્યાગ કરી સંપ અને સહકારથી જીવન જીવવા અનુરોધ કર્યો હતો. તેમણે માતા-પિતા અને વડીલોની સેવાને સર્વોપરી ગણાવતા જણાવ્યું હતું કે, માતા-પિતાની સેવા એ જ સાચી ગુરુદીક્ષા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માતા-પિતા, વડીલો કે ગાયો દુઃખી હોય ત્યારે માત્ર ભજન, કથા કે સંતોના સાનિધ્યથી જીવનની સાર્થકતા પ્રાપ્ત થતી નથી. ઘરમાં વડીલોને સાચો આદર અને સેવા મળે ત્યારે જ ધર્મના મૂળ મૂલ્યો જીવનમાં ચરિતાર્થ થાય છે.

ગુરુ પૂર્ણિમાની ઉજવણી દરમિયાન આશ્રમ ખાતે યોજાયેલા સત્સંગ અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, સેવા, સંસ્કાર અને સામાજિક એકતાના સંદેશ સાથે સંપન્ન થયો હતો.


















