ગ્રામજનોના પ્રશ્નો સાંભળી ત્વરિત અને સકારાત્મક નિકાલ માટે સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ

હળવદ: તાલુકાના જૂના અમરાપર ગામે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે તેમજ ગ્રામજનોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે નિરાકરણ આવે તેવા ઉદ્દેશ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાત્રીસભામાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, ઉપલબ્ધ સેવાઓ અને તેનો લાભ મેળવવા અંગે જરૂરી માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમના સ્થાનિક પ્રશ્નો, રજૂઆતો અને મુશ્કેલીઓ સાંભળી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોની વિગતવાર જાણકારી મેળવી તેના ઉકેલ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરે ગ્રામજનોની રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનો ત્વરિત, અસરકારક અને સકારાત્મક નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. રાત્રીસભાના માધ્યમથી વહીવટી તંત્ર અને ગ્રામજનો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થતાં સરકારની યોજનાઓ તથા સેવાઓ અંગે ગ્રામજનોને ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું.





















