
જામનગર: તા.31, રાજ્ય સરકારે જાહેર કરેલા વીજલાઇન વળતર સંબંધિત પરિપત્રને કંપનીલક્ષી અને ખેડૂત વિરોધી ગણાવી જામનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આજે મહાપદયાત્રા યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.



ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને સ્વીકાર્ય નથી. ખેતીની જમીન પર વીજલાઇનના કામો દરમિયાન ખેડૂતોને યોગ્ય વળતર અને તેમના અધિકારોનું રક્ષણ મળે તે માટે પરિપત્ર તાત્કાલિક રદ કરી ખેડૂત હિતમાં નવો પરિપત્ર બહાર પાડવાની માંગ કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલનો પરિપત્ર કંપનીઓના હિતને પ્રાધાન્ય આપતો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના હિતોની અવગણના કરી લેવામાં આવેલા આવા નિર્ણયને સરકાર તાત્કાલિક પરત ખેંચે અને ખેડૂતો સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓનો યોગ્ય રીતે વિચાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં વધુ વ્યાપક અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોના અધિકારો અને ન્યાય માટેની લડત અવિરત ચાલુ રહેશે તેમ પણ તેમણે જણાવ્યું.





















