
મોરબી: જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની બમ્પર આવક થઈ રહી છે. મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં ઉપરવાસમાંથી (મચ્છુ-1 ડેમ અને અન્ય કેચમેન્ટ વિસ્તારમાંથી) પાણીની સતત અને જંગી આવક થઈ રહી છે.મચ્છુ-2 ડેમના 16 દરવાજા ખોલાયા

પાણીની આવકને પગલે ડેમની સપાટી ભયજનક નિશાન નજીક પહોંચી જતાં સિંચાઈ વિભાગ દ્વારા તકેદારીના પગલારૂપે મચ્છુ-2 ડેમના 16 દરવાજા 10 ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલતા જ હજારો ક્યુસેક પાણી ધસમસતા પ્રવાહ સાથે મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે મચ્છુ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.મોરબી અને માળિયાના 32 ગામો હાઇ એલર્ટ પર

મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવતાં નદીના પટમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મચ્છુ નદીના હેઠવાસમાં આવતા મોરબી તાલુકા અને માળિયા (મિયાણા) તાલુકાના કુલ ૩૨ જેટલા ગામોને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.લોકોને નદીના પટમાં ન જવા અપીલ

મામલતદાર અને તલાટીઓ મારફતે આ તમામ ગામોના લોકોને સાવચેત રહેવા, નદીના પટમાં અવરજવર ન કરવા અને પશુઓને પણ નદીથી દૂર રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડ્યે સુરક્ષિત સ્થળે ખસી જવા પણ સૂચના આપવામાં આવી છે.





















