
મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજપોલ કંપનીની દાદાગીરી અને અન્યાયી નીતિ સામે ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ ગયો છે.

મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજપોલ કંપનીની દાદાગીરી અને અન્યાયી નીતિ સામે ખેડૂતોનો વિરોધ હવે ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ ગયો છે. ખેતરોમાંથી પસાર થતી લાઈનો અને વીજ થાંભલાના યોગ્ય વળતર મુદ્દે શરૂ કરાયેલા આમરણાંત ઉપવાસનો આજે 5મો દિવસ છે. વહીવટી તંત્ર અને કંપનીની ઉદાસીનતા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

3 મહિલાઓ સહિત કુલ 9 ખેડૂતોનો અન્નનો ત્યાગ : હાલ ઉપવાસ છાવણી ખાતે 3 મહિલાઓ સહિત કુલ 9 ખેડૂતો અન્નનો ત્યાગ કરીને ન્યાયની લડત લડી રહ્યા છે, જેમની તબિયત લડત લંબાવવાની સાથે નાજુક બની રહી છે.

ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું: આ આંદોલનને વેગ આપવા અને ખેડૂતોના સમર્થનમાં ગત રાત્રે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં મોરબી સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા, જેને પગલે ઉપવાસ છાવણી જનમેદનીથી ઉભરાઈ ગઈ હતી.

પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવો જોઈએ : લોકડાયરામાં ઉપસ્થિત જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ મંચ પરથી ખેડૂતોના સૂરને બુલંદ કર્યો હતો. તેમણે સરકારને જાહેર અપીલ કરતાં જણાવ્યું હતું કે, “ખેડૂતો દેશનો જગતાત છે, તેમની માંગણીઓ સંપૂર્ણ ન્યાયી છે અને સરકારે વહેલી તકે મધ્યસ્થી કરીને આ પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવો જોઈએ.”

સંગઠનો સતત જેતપર મુલાકાતે આવી રહ્યા છે,: ખાનગી કંપની દ્વારા પોલીસ પ્રશાસનનો કથિત દુરુપયોગ કરીને ખેડૂતોની જમીનમાં પરાણે વીજપોલ ઊભા કરવાની દાદાગીરી સામે વિરોધનો વંટોળ વધુ મજબૂત બન્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂત અગ્રણીઓ અને સંગઠનો સતત જેતપર મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે આ સ્થાનિક આંદોલન હવે રાજ્યવ્યાપી જનસમર્થન મેળવી રહ્યું છે. આંદોલનકારીઓએ ચીમકી આપી છે કે જ્યાં સુધી વીજ કંપની નમશે નહીં અને સરકાર યોગ્ય વળતરની ખાતરી નહીં આપે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે.























