
મોરબી, તા. 12 જુલાઈ: મોરબી મહાનગર પાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતે જન્મ-મરણના દાખલા તેમજ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની વ્યાપક ફરિયાદોને પગલે ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓએ જનસુવિધા કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન નબળી કામગીરી અંગે જવાબદાર અધિકારીઓને કડક ઠપકો આપી અરજદારોના કામ ઝડપી અને સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

મોરબી શહેરમાં રેઈનબસેરા ખાતે કાર્યરત જનસુવિધા કેન્દ્રમાં દાખલા મેળવવા માટે લાંબા સમયથી અરજદારોને વિલંબ, ધક્કા અને અન્ય વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો સામે આવી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, કોર્પોરેટર મહેન્દ્રભાઈ સવસાણી, ગૌતમભાઈ પરમાર તેમજ પ્રતિનિધિ પુષ્પરાજસિંહ જાડેજાએ જનસુવિધા કેન્દ્રની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ સ્થળ પર હાજર અરજદારો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને ફરિયાદો જાણી હતી. ખાસ કરીને જન્મ-મરણના દાખલા અને લગ્ન નોંધણી સંબંધિત કામગીરીમાં થતા વિલંબ અંગે લોકોએ રજૂઆત કરતા પદાધિકારીઓએ નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓને કામગીરીમાં સુધારો લાવવા તાકીદ કરી હતી.

પદાધિકારીઓએ જનસુવિધા કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે તમામ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવે, અરજદારોને બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તેમજ જનસેવાની કામગીરી વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવામાં આવે. સાથે જ વહીવટી વ્યવસ્થામાં જરૂરી સુધારા તાત્કાલિક અમલમાં મૂકવા અને બેદરકારી દાખવનાર સામે જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી હતી.





















