
મોરબી, તા. 12 જુલાઈ : પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL)ને સૌથી વધુ આવક આપતા મોરબી શહેર-જિલ્લામાં જ વીજ ગ્રાહકોને ફરિયાદ નોંધાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે. શહેરમાં વીજળી ગુલ થવા, લો વોલ્ટેજ અથવા અન્ય વીજ ફોલ્ટ સર્જાય ત્યારે ફરિયાદ માટે આપવામાં આવેલા ફોન નંબર બંધ આવતાં હોવા અથવા કર્મચારીઓ દ્વારા ફોન ઉપાડવામાં ન આવતાં ગ્રાહકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.

તાજેતરમાં મોરબીના રવાપર રોડ વિસ્તારમાં લો વોલ્ટેજની ગંભીર સમસ્યા સર્જાતા સ્થાનિક રહેવાસીઓએ PGVCL કચેરીના ફરિયાદ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફરિયાદ માટેનો નંબર સતત સ્વીચ ઓફ આવતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પરિણામે લોકો પોતાની સમસ્યા રજૂ કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા.

આ મામલે જાગૃત નાગરિક સતિષભાઈ કાનાબારે PGVCLના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરતાં શરૂઆતમાં અધિકારીઓએ ફરિયાદ નંબરનો મોબાઈલ રિપેરિંગમાં મોકલાયો હોવાનું કારણ આપ્યું હતું. જોકે થોડા સમય બાદ એ જ નંબર ફરી કાર્યરત થતાં અને કર્મચારીઓ દ્વારા અન્ય મોબાઈલમાં સિમકાર્ડ મૂકવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. જો વિભાગ પાસે વૈકલ્પિક મોબાઈલ ઉપલબ્ધ હતો તો ફરિયાદ નંબર લાંબા સમય સુધી બંધ કેમ રાખવામાં આવ્યો હતો તે અંગે ગ્રાહકોમાં ચર્ચા શરૂ થઈ છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરબીમાં વીજળી ખોરવાય ત્યારે ફરિયાદ માટે કરવામાં આવતા ફોન ઘણી વખત સાઈલેન્ટ મોડમાં મૂકી દેવામાં આવે છે, સતત વ્યસ્ત આવે છે અથવા તો ફોનનો યોગ્ય પ્રતિસાદ આપવામાં આવતો નથી. જેના કારણે ગ્રાહકોની મુશ્કેલીમાં વધુ વધારો થાય છે અને સમયસર ફરિયાદ પણ નોંધાવી શકાતી નથી.

મોરબી સર્કલ PGVCL માટે સૌથી વધુ આવક આપતા વિસ્તારોમાંનો એક હોવા છતાં ગ્રાહક સેવાની ગુણવત્તા અંગે સતત પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ મુદ્દે રાજકોટ સ્થિત કોર્પોરેટ કચેરી દ્વારા પણ કોઈ અસરકારક હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી તેવી લાગણી ગ્રાહકોમાં જોવા મળી રહી છે.

સ્થાનિક લોકોએ માંગ કરી છે કે વીજ ગ્રાહકોને 24 કલાક કાર્યરત ફરિયાદ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે, ફરિયાદ નંબર સતત કાર્યરત રાખવામાં આવે અને ફોનનો સમયસર પ્રતિસાદ મળે તેવી અસરકારક વ્યવસ્થા PGVCL દ્વારા તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે. સાથે જ રાજકોટ કોર્પોરેટ કચેરી આ સમગ્ર મામલે દરમિયાનગીરી કરીને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવે તેવી પણ લોકમાગ ઉઠી છે.

























