
મોરબી, તા. 12 જુલાઈ: વિદ્યાભારતી અને માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત ટંકારાના સરસ્વતી શિશુમંદિરે સફળતાપૂર્વક બે વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશના અવસરે પોતાના નવનિર્મિત ભવનમાં મંગલ પ્રવેશ કર્યો હતો. વાલીઓ અને સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી ટંકારાની જૂની આઈટીઆઈ બિલ્ડિંગ (ઓરપેટ કન્યા વિદ્યાલય) ખાતે હવે શાળાનું નવું અને વિશાળ સંકુલ કાર્યરત કરવામાં આવ્યું છે.

નવા સંકુલમાં યોજાયેલા મંગલ પ્રવેશ કાર્યક્રમ દરમિયાન ભવન દર્શન અને શૈક્ષણિક પ્રદર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિસરને આકર્ષક રંગોળીઓ અને પરંપરાગત દીવડાઓથી સુંદર રીતે શણગારવામાં આવતા સમગ્ર વાતાવરણ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું બન્યું હતું.

કાર્યક્રમમાં હરીસદાદા રાવલજી, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ કારેલિયા સહિતના સામાજિક અગ્રણીઓ, શિક્ષણવિદો, વાલીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના નવનિર્મિત સંકુલની મુલાકાત લઈ શૈક્ષણિક વ્યવસ્થા અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરસ્વતી શિશુમંદિર દ્વારા બાળકોમાં નાનપણથી જ શિસ્ત, સંસ્કાર, રાષ્ટ્રભાવના અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવામાં આવી રહ્યું છે, જે સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય છે.

ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્કૃત ભાષાના સંવર્ધન અને ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ આદર્શોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે શાળા પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




















