
ગાંધીનગર, તા. 12 જુલાઈ: રાજ્યના તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ (RTO) અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ (ARTO) માટે વાહન વ્યવહાર કમિશનર કચેરી, ગાંધીનગર દ્વારા ખાનગી (નોન-ટ્રાન્સપોર્ટ) વાહનોના રજિસ્ટ્રેશન રિન્યૂઅલ અને ફિટનેસ સંબંધિત સુધારેલા નિયમોના અમલીકરણ અંગે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 8 મે, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા GSR 349(E) નોટિફિકેશનના અમલને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, GSR 349(E)ના અમલીકરણ માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા જરૂરી ટેકનિકલ સુધારાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓએ નોટિફિકેશનમાં દર્શાવેલી જોગવાઈઓ મુજબ કામગીરી કરવાની રહેશે.

મહેસાણા RTO દ્વારા કેટલાક મુદ્દાઓ પર માર્ગદર્શન માંગવામાં આવતા વાહન વ્યવહાર કમિશનર કચેરીએ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, નોન-ટ્રાન્સપોર્ટ (ખાનગી) વાહનોના રિન્યૂઅલ ઓફ રજિસ્ટ્રેશન માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો મુજબ નિર્ધારિત ફી જ વસૂલવામાં આવશે.

પરિપત્ર મુજબ GSR 349(E) હેઠળ પ્રથમ વખત ખાનગી વાહનો માટે ફિટનેસ પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેથી હાલ જ્યારે આવા વાહનોનું પ્રથમ વખત ફિટનેસ પરીક્ષણ કરાવવામાં આવશે ત્યારે તેમાં વિલંબ થયો હોવા છતાં રૂ. 50 પ્રતિ દિવસના દરે વધારાની લેટ ફી વસૂલવામાં આવશે નહીં.

જો કે, પ્રથમ ફિટનેસ પ્રમાણપત્ર પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં ફિટનેસનું રિન્યૂઅલ કરાવવાનું રહેશે. આવા રિન્યૂઅલમાં નિયત સમય બાદ વિલંબ થશે તો રૂ. 50 પ્રતિ દિવસના દરે વધારાની લેટ ફી દંડ તરીકે વસૂલવામાં આવશે.

વાહન વ્યવહાર કમિશનર કચેરીએ રાજ્યની તમામ RTO અને ARTO કચેરીઓને સુધારેલી માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. નવા નિયમોથી ખાનગી વાહન માલિકોને પ્રથમ વખતના ફિટનેસ પ્રમાણપત્ર દરમિયાન રાહત મળશે, જ્યારે બાદના રિન્યૂઅલ માટે સમયમર્યાદાનું પાલન કરવું જરૂરી રહેશે.



















