HomeAllકોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં...

કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ

મોરબીના સનાળા રોડ પર આવેલ અરિહંત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા, પાણી, ગટર સહિતના જે પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને સ્થાનિક લોકો રોષે ભરાયા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાન રાખીને સોસાયટીમાં બંને બાજુએ બોર્ડ લગાવીને કોઈપણ રાજકીય પાર્ટીના નેતાએ મત માંગવા માટે અમારી સોસાયટીમાં આવવું નહીં તેવું સ્પષ્ટપણે બોર્ડમાં લખવામાં આવ્યું છે અને આ રીતે લોકોએ પોતાની સમસ્યાઓને વાંચા આપીને પોતાની વેદના ઠાલવી છે.

મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર હાલમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે લોકો તરફથી તેઓના પ્રશ્ર્નો મત માંગવા માટે આવતા ઉમેદવારો સમક્ષ રજુ કરવામાં આવતા હોય છે અને તે ઉકેલવા માટેની ઉમેદવારો દ્વારા ખાતરીઓ આપવામાં આવતી હોય છે પરંતુ ઘણી વખત ચૂંટાઈ ગયા બાદ કે પછી ચૂંટણી પૂરી થયા બાદ લોકોની સમસ્યાઓને ભૂલી જવામાં આવતી હોય છે .

આવો જ ઘાટ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે મોરબીના વોર્ડ નં 9 માં આવતી અરિહંત સોસાયટીમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી રોડ રસ્તા, ગટર, પાણી જેવી સામાન્ય પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે અને તેને ઉકેલવા માટે અગાઉ જ્યારે ચૂંટણી આવી હતી ત્યારે પ્રશ્ન ઉકેવાની વાતો કરી હતી અને ત્યારે માલ સામાન મોકલીને તાત્કાલિક ખાતમહૂર્ત કરવામાં આવ્યુ હતું .

પરંતુ તે ખાતમહૂર્ત હતું કે પછી લોકોને મૂરખ બનાવવા માટેનો કાર્યક્રમ હતો તે આજની તારીખે લોકોને સમજાયું નથી જેથી પ્રાથમિક સુવિધાને લગતા તેઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા ન હોવાના કારણે રોષે ભરાયેલા સોસાયટીના લોકો દ્વારા હાલમાં સોસાયટીના બંને બાજુના પ્રવેશ દ્વાર પાસે બોર્ડ બેનર લગાવીને કોઈપણ પાર્ટીના નેતાઓએ તેમના સોસાયટી વિસ્તારની અંદર મત માંગવા માટે ન આવવું તેવી સ્પષ્ટ વાત સાથે પોતાની વેદના ઠાલવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments