
અમેરિકા અને ઇરાન વચ્ચેના યુધ્ધમાં આવતા 48 કલાકમાં જ સમજુતી થઇ જવાની અને કાયમી શાંતિ થઇ જવાના સંકેતોને પગલે ક્રૂડતેલમાં ગાબડુ પડ્યું હતું જ્યારે શેરબજાર તથા રૂપિયો ઉંચકાયા હતા.

મધ્ય પૂર્વના યુધ્ધમાં શાંતિ સ્થપાવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જશે અને ક્રૂડતેલના પરિવહનમાં રાહત થઇ જવાની અટકળો વ્યક્ત થવા લાગી છે. ક્રૂડ સંકટ દુર થવાની આ ગણતરીએ ભાવમાં ગાબડા હતા. આજે સતત બીજા દિવસે ભાવ તૂટ્યા હતા. ડબલ્યુટીઆઇ ક્રૂડ 93.08 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 99.22 ડોલર સાંપડ્યું હતું. ગઇકાલે સાત ટકાના ઘટાડા બાદ આજે વધુ બે ટકા તૂટ્યું હતું. બે દિવસમાં સરેરાશ 10 ટકાનો ઘટાડો હતો.

ક્રૂડની અસર કરન્સી માર્કેટમાં પણ થઇ હોય તેમ ડોલર સામે સતત બીજા દિવસે રૂપિયો ઉંચકાયો હતો તે 40 પૈસા વધીને 94.22 સાંપડ્યો હતો. બીજી તરફ શેરબજારમાં પણ તેજીનો ટ્રેન્ડ જળવાયો હતો. લાર્જકેપ-હેવીવેઇટ કરતાં પણ રોકડા-મીડકેપ શેરોમાં વધુ આકર્ષણ હતું.

મધ્ય પૂર્વના યુધ્ધમાં શાંતિના આશાવાદ હેઠળ માનસ પોઝીટીવ બન્યું હતું. હવે વિદેશી નાણાં સંસ્થાઓનું નવું રોકાણ ઠલવવાની પણ આશા વ્યકત થતી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધ સમાપ્તિની સતાવાર ઘોષણા માર્કેટમાં નવી તેજી સર્જી શકે છે.

શેરબજારમાં આજે પેટીએમ, પોલીકેબ, ભારત ફોર્જ, ભેલ, યસ બેંક, સુઝલોન, આર.આર. કેબલ, ગોદરેજ ઇન્ડ. એરો ફલેક્ષ, પતંજલી વગેરે ઉંચકાયા હતા. ગોદરેજ કન્ઝયુમર, બ્લુસ્ટાર, વેદાંત, રીલાયન્સ, વોડાફોન, ટાટા કેપીટલ, એચસીએલ ટેકનોમાં ઘટાડો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 77954 હતો તે ઉંચામાં 78384 તથા નીચામાં 77713 હતો. નિફટી 25 પોઇન્ટ વધીને 24355 હતો તે ઉંચામાં 24482 તથા નીચામાં 24284 હતો.























