HomeAllમાતા-પિતાની મિલકત પર બાળકોનો જન્મજાત હક નથી સંતાનો થઈ શકે છે બેદખલ

માતા-પિતાની મિલકત પર બાળકોનો જન્મજાત હક નથી સંતાનો થઈ શકે છે બેદખલ

સામાન્ય રીતે લોકો એવું માનીને ચાલતાં હોય છે કે માતા-પિતાની મિલકત પર તેમનાં બાળકોનો જન્મથી જ સંપૂર્ણ અધિકાર હોય છે. પરંતુ કાયદાનાં નિષ્ણાતોના મતે એવું બિલકુલ નથી, કારણ કે કાયદો માત્ર અધિકારો જ નહીં પણ જવાબદારીઓ પણ નક્કી કરે છે.

એડવોકેટ રાકેશ ઉપાધ્યાયના જણાવ્યાં અનુસાર, માત્ર માતા-પિતાની સંભાળ ન રાખવી એ જ મિલકતમાંથી બેદખલ કરવાનું એકમાત્ર કારણ નથી, પરંતુ એવા ઘણા કાનૂની પાસાઓ છે જેના કારણે સંતાનોએ મિલકતમાંથી પોતાનો હક ગુમાવવો પડી શકે છે.

મિલકત મુખ્યત્વે બે પ્રકારની હોય છે – એક પેતૃક (વારસામાં મળેલી) અને બીજી જાતે કમાઈને વસાવેલી (સ્વ-અર્જિત). જો મિલકત માતા-પિતાએ પોતાની મહેનતની કમાણીથી ખરીદી હોય, તો તેના પર તેમનો 100 ટકા માલિકી હક રહે છે. તેઓ ઈચ્છે તો આ પ્રોપર્ટી કોઈ અજાણી વ્યક્તિ કે ટ્રસ્ટને દાન કરી શકે છે અથવા વસિયતનામું બનાવીને કોઈ એક બાળકને તેમાંથી સંપૂર્ણપણે બેદખલ કરી શકે છે. આવી સ્થિતિમાં વંચિત રહી ગયેલું સંતાન કોર્ટમાં જઈને પણ પોતાનો હક માંગી શકતું નથી.

જો કોઈ દીકરો કે દીકરી પોતાનાં માતા-પિતા સાથે મારપીટ, માનસિક સતામણી કે કોઈપણ પ્રકારનું ગેરવર્તન કરે છે, તો કાયદો વડીલોને રક્ષણ આપે છે. ’મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન્સ એક્ટ’ હેઠળ માતા-પિતા પોતાનાં બાળકોને પ્રોપર્ટીમાંથી બેદખલ કરવા માટે ટ્રિબ્યુનલ કે કોર્ટના દ્વાર ખખડાવી શકે છે. એટલું જ નહીં, ગેરવર્તણૂકના કિસ્સામાં અગાઉ સંતાનને ગિફ્ટ ડીડ દ્વારા આપેલી મિલકત પણ કાનૂની રીતે રદ કરાવી શકાય છે.

આ ઉપરાંત, હિન્દુ સક્સેસન એક્ટ મુજબ જો કોઈ સંતાન મિલકતના લાલચમાં કે અન્ય કોઈ કારણસર પોતાના માતા-પિતાની હત્યા કરે છે અથવા હત્યા કરવાનો પ્રયાસ કરે છે, તો કાયદો તેને ગુનેગાર ઠેરવીને અયોગ્ય જાહેર કરે છે અને તેને મિલકતમાંથી એક પણ રૂપિયો મળતો નથી.

તેવી જ રીતે, જો માતા-પિતાએ કાયદેસરનું વસિયતનામું બનાવ્યું હોય અને તેમાં કોઈ બાળકનું નામ સામેલ ન કર્યું હોય, તો વસિયતને નકલી સાબિત કર્યા વિના બાળક મિલકત પર દાવો કરી શકતું નથી. ટૂંકમાં, જો સંતાનો માતા-પિતાની યોગ્ય સંભાળ ન રાખે, તો કાયદાકીય રીતે તેમનો પક્ષ ખૂબ નબળો પડી જાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments