
સૌરાષ્ટ્ર-ગુજરાતના કેટલાંક ભાગોમાં અત્યંત ભારે અને અન્ય ભાગોમાં સામાન્ય-મધ્યમ વરસાદ વરસાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યમાં ચાલુ સપ્તાહમાં છુટા છવાયા વરસાદની જ આગાહી છે. જ્યારે રાજકોટમાં પ્રથમ રાઉન્ડમાં માત્ર પાંચ ઇંચ જ પાણી વરસ્યું છે.

ભારતીય હવામાન ખાતાના આંકડાકીય રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 223.88 મીમી વરસાદ થયો છે જે સીઝનની કુલ ટકાવારીના 24.63 થવા જાય છે તેની સાથે રાજકોટમાં વરસાદ માત્ર 125 મીમી નોંધાયો છે જે સિઝનનો 14.42 ટકા થવા જાય છે.

રાજકોટ જિલ્લાને લાગેવળગે છે ત્યાં સુધી 18.68 ટકા પાણી વરસી ગયું છે. ધોરાજી, ગોંડલ, જેતપુર, ઉપલેટા, કોટડા સાંગાણી જેવા તાલુકાઓમાં સારો વરસાદ થયો હોવાથી જિલ્લાની ટકાવારી પ્રમાણમાં ઉંચી છે.

રાજકોટ શહેરને લાગેવળગે છે ત્યાં સુધી ચોમાસાની સીઝનમાં સરેરાશ 867 મીમી વરસાદ પડે છે જે અંદાજીત 32 ઇંચ જેવો થવા જાય છે. આ વખતે માંડ પાંચ ઇંચ થયો છે. ગુજરાત સૌરાષ્ટ્રના અનેક ભાગો ધમરોળાયા હતા છતાં રાજકોટ પ્રમાણમાં કોરૂ જ રહી ગયું હતું.

બે વખત એક-દોઢ ઇંચ તથા બાકી હળવા ઝાપટાના જોરે આંકડો પાંચ ઇંચ થયો હતો. બાકી ધોધમાર કે ભારે વરસાદ થયો જ નથી. અત્યાર સુધી સારો વરસાદ થયો નથી જ્યારે અલનીનોના પ્રભાવને કારણે હવે સીઝનના બાકીના દિવસોમાં મેઘરાજા વારો લ્યે છે કે કેમ તેના પર મીટ મંડાવા લાગી છે.

રાજકોટ જિલ્લામાં સરેરાશ 18.68 ટકા વરસાદ છતાં જસદણમાં માત્ર 3.81, પડધરીમાં 6.28 અને વીંછીયામાં 9.76 ટકા જ વરસાદ થયો છે. અર્થાત આંકડો 10 ટકા સુધી પણ પહોંચ્યો નથી.

સૌરાષ્ટ્રના અન્ય અમુક જિલ્લામાં પણ વરસાદની મોટી ખાદ્ય છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર 0.92 ટકા, પોરબંદરમાં 11.56 ટકા, જામનગરમાં 9 ટકા તથા મોરબી જિલ્લામાં 9.57 ટકા જ પાણી વરસ્યું છે. બીજી તરફ અમરેલી-જુનાગઢ જિલ્લામાં 43 ટકા, ગીર સોમનાથમાં 40 ટકા તથા ભાવનગરમાં 33 ટકા પાણી વરસી ગયું છે.

ગુજરાતમાં ઝોનવાઇઝ વરસાદમાં 34.69 ટકા વરસાદ સાથે ગુજરાત આગળ છે. સૌરાષ્ટ્રમાં આ પ્રમાણ 27.61 ટકા, મધ્ય ગુજરાતમાં 17.31 ટકા, ઉતર ગુજરાતમાં 14.09 ટકા તથા કચ્છમાં 1.92 ટકા છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને ક્યાંય નોંધપાત્ર વરસાદ નથી. સર્વત્ર ઉઘાડનો માહોલ છે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી તા.17 સુધી માત્ર છુટાછવાયા વરસાદની જ આગાહી કરવામાં આવી છે.

કોંકણ અને ગોવામાં વ્યાપક વરસાદ શક્ય છે પરંતુ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં તા.17 જુલાઇ સુધી આઇસોલેટેડથી છુટા છવાયા વરસાદની જ શક્યતા છે.

પ્રવર્તમાન હવામાન પાસા મુજબ ચોમાસુ રેખા શ્રી ગંગાનગર, રોહતક, શાહજહાંપુર, બસતી, મુઝફરપુર પરથી પસાર થઇને દક્ષિણ પૂર્વ મણીપુર તરફ ઢળે છે. પંજાબ પર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ છે. બિહાર, આસામ, ઇસ્ટ ઉત્તર પ્રદેશ પર અપર એર સાયકલોનિક સરક્યુલેશન છે. સમગ્ર દેશમાં ચોમાસુ છવાયું હોવા છતાં હવે રફતાર ધીમી પડી છે.













