HomeAllમોરબી: 15 દિવસથી અંધારામાં મહેન્દ્રનગર ચોકડી-રામધન આશ્રમ માર્ગ, સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા...

મોરબી: 15 દિવસથી અંધારામાં મહેન્દ્રનગર ચોકડી-રામધન આશ્રમ માર્ગ, સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અકસ્માતનો ભય

મોરબી: કરોડોના ખર્ચે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો શોભાના ગાંઠિયા બની : મુખ્ય માર્ગ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન : તાત્કાલિક લાઈટો ચાલુ કરાવવા સ્થાનિકોની માંગ

મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધીના મુખ્ય માર્ગ પર કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી નવી સ્ટ્રીટ લાઈટો છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં હોવાની સ્થાનિકોમાંથી ફરિયાદ ઉઠી છે. સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા રાત્રિના સમયે સમગ્ર માર્ગ પર અંધારપટ છવાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર મહેન્દ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધીનો માર્ગ સતત વાહનવ્યવહાર ધરાવતો મુખ્ય માર્ગ છે અને અહીંથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. આમ છતાં છેલ્લા 15 દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી રાત્રિના સમયે માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે.

અંધારાના કારણે રસ્તા પરના ખાડા, ડિવાઈડર તેમજ રખડતા પશુઓ સમયસર નજરે ન પડતા અકસ્માત સર્જાવાની શક્યતા વધી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કરોડોના ખર્ચે ઊભી કરવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થા લાંબા સમયથી બંધ રહેતા તંત્રની કામગીરી સામે પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ સવાલ ઉઠાવ્યો છે કે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય અથવા જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે? જાહેર સુરક્ષા સાથે જોડાયેલી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ ઉઠી છે.

સ્થાનિક લોકો અને વાહનચાલકોએ સંબંધિત તંત્ર અને અધિકારીઓને મહેન્દ્રનગર ચોકડીથી રામધન આશ્રમ સુધી બંધ પડેલી તમામ સ્ટ્રીટ લાઈટોની તાત્કાલિક તપાસ કરી તેને ફરી ચાલુ કરાવવા માંગ કરી છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં માર્ગ પર પૂરતી પ્રકાશ વ્યવસ્થા પુનઃસ્થાપિત થઈ શકે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments