
મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા તથા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન પૂરું પાડવાના હેતુથી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેના ‘વાર્ષિક ઋણ આયોજન (Annual Credit Plan – ACP)’ નું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ બેંકિંગ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ વિકાસલક્ષી ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા.

પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે બેઠકમાં જણાવ્યું હતું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવું વહીવટી તંત્રની મુખ્ય જવાબદારી છે. તેમણે તમામ વિભાગોને પારદર્શક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપતાં ખાસ કરીને સામાન્ય નાગરિકો અને લાભાર્થીઓ સુધી સરળતાથી ધિરાણ ઉપલબ્ધ બને તે માટે બેંકિંગ ક્ષેત્રે સંવેદનશીલ અભિગમ અપનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.

ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈ માટેના મુખ્ય જળાશયો તથા ડેમોમાં પાણીની ઉપલબ્ધતાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં પાણીની અછત સર્જાય નહીં તે માટે આગોતરા આયોજન સાથે કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ ‘સુજલામ્ સુફલામ્ યોજના’ અંતર્ગત ચાલી રહેલા જળાશયોના ઊંડા ઉતારવાના તથા નવીનીકરણના કાર્યોને વધુ વેગ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જાહેર આરોગ્ય સેવાઓ અંગે સમીક્ષા કરતા પ્રભારી સચિવે સગર્ભા માતાઓની આરોગ્ય સંભાળ, સંસ્થાકીય પ્રસુતિ તથા બાળ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા માટે સ્થાનિક સ્તરે આરોગ્યલક્ષી વ્યવસ્થાઓને વધુ અસરકારક બનાવવા તાકીદ કરવામાં આવી હતી.

વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જિલ્લાના વિવિધ વિકાસકાર્યો તથા સરકાર દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંકોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠકનું સંચાલન કરીને વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતી આપી હતી.

આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.























