HomeAllમોરબી એસ.ટી. ડેપો ખાતે મેગા હેલ્થ કેમ્પ યોજાયો, ૧૪૫થી વધુ એસ.ટી. કર્મચારીઓ...

મોરબી એસ.ટી. ડેપો ખાતે મેગા હેલ્થ કેમ્પ યોજાયો, ૧૪૫થી વધુ એસ.ટી. કર્મચારીઓ અને અધિકારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું

મોરબી, તા. ૨૩ : દેશને ક્ષયમુક્ત બનાવવાના ઉમદા હેતુ સાથે અમલમાં રહેલા ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ મોરબીના નવા બસ સ્ટેન્ડ સ્થિત એસ.ટી. ડેપો ખાતે વિશેષ મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન”ની રાષ્ટ્રીય થીમ હેઠળ યોજાયેલા આ કેમ્પમાં એસ.ટી. નિગમના ૧૪૫થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ આરોગ્ય તપાસ કરાવી હતી.

વનરેબલ ગ્રૂપમાં આવતાં નાગરિકોમાં ક્ષયરોગનું વહેલું નિદાન કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આયોજિત આ કેમ્પમાં સેન્ટ્રલ ટીબી ડિવિઝન, નવી દિલ્હી દ્વારા ફાળવવામાં આવેલા આધુનિક ડિજિટલ પોર્ટેબલ એક્સ-રે મશીન મારફતે એસ.ટી. સ્ટાફના છાતીના એક્સ-રે લેવામાં આવ્યા હતા. ઉપરાંત ટીબી અને કુષ્ઠરોગ સ્ક્રીનીંગ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ જનરલ હેલ્થ ચેકઅપ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ સ્થળ પર જ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી.

કેમ્પના સફળ આયોજનમાં ડેપો મેનેજર પી.જી. કુંપાવત, એ.ટી.આઈ. વનરાજસિંહ ઝાલા, પ્રમુખ ડી.એન. ઝાલા, જે.એ. ઉમેશભાઈ વાઢેર, એડમિન મહેશભાઈ પંડ્યા, ધવલભાઈ તથા એસ.ટી. સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જ્યારે તબીબી સેવાઓ માટે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. હાર્દિક દેત્રોજા, જિલ્લા ક્ષય કેન્દ્રના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોશી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તેમજ આરોગ્ય વિભાગની ટીમે સક્રિય ઉપસ્થિતિ સાથે જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી.

આ હેલ્થ કેમ્પ દ્વારા એસ.ટી. કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા સાથે ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments