
(Mahesh L. Soni) ભુજ, તા. 23 : કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સામત્રા ગામની વતની દક્ષાબેન વરસાણીએ ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયમાં આવેલી 6116 મીટર (20,065 ફૂટ) ઊંચી માઉન્ટ જોગીન-3 ચોટી સફળતાપૂર્વક સર કરીને કચ્છ, ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. 10 જૂન, 2026ના રોજ તેમણે શિખર પર તિરંગો લહેરાવી પર્વતારોહણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

વન વિભાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા દક્ષાબેન પ્રકૃતિ અને વન્યજીવનના સંરક્ષણ માટે સતત કાર્યરત છે. ફરજ દરમિયાન અત્યાર સુધીમાં તેમણે 752થી વધુ ઝેરી અને બિનઝેરી સાપોનું સફળ રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા છે. પ્રકૃતિના સંરક્ષણ સાથે સાહસિક ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.

પર્વતારોહણ પ્રત્યેની તેમની લગન અને સમર્પણના પરિણામે તેમણે બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ (BMC) અને એડવાન્સ માઉન્ટેનિયરિંગ કોર્સ (AMC) પૂર્ણ કર્યા છે. આ ઉપરાંત માઉન્ટ નૂન, માઉન્ટ કુન, બંદરપૂંચ, કાંગ યાત્સે અને મેન્ટોક કાંગરી જેવા કઠિન અભિયાનોમાં પણ ભાગ લીધો હતો. અગાઉના પ્રયાસોમાં અંતિમ સફળતા ન મળવા છતાં તેમણે સતત મહેનત અને આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો.

દક્ષાબેનનું માનવું છે કે પર્વતો માત્ર શિખર સુધી પહોંચવાનું નહીં, પરંતુ ધીરજ, શિસ્ત અને નમ્રતા શીખવવાનું કાર્ય કરે છે. અનેક પડકારોનો સામનો કરીને પ્રાપ્ત થયેલી જોગીન-3ની આ સફળતા તેમની અડગ ઇચ્છાશક્તિ અને સંઘર્ષનું ઉત્તમ ઉદાહરણ બની છે.

સામત્રા ગામના સામાજિક અગ્રણી જયેશભાઈ સોનીએ દક્ષાબેનની સિદ્ધિને કચ્છ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગામડાની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે ઓળખ ઉભી કરીને યુવા પેઢી અને ખાસ કરીને દીકરીઓ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દક્ષાબેન વરસાણીની આ સિદ્ધિ સમગ્ર પટેલ સમાજ સહિત રાજ્યભરની યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે. માઉન્ટ જોગીન-3ના સફળ અભિયાન બાદ હવે તેમનું આગામી લક્ષ્ય વિશ્વના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવવાનું છે.
























