
મોરબી: મોરબીમાં ગાંધી ચોકથી સામા કાંઠે જવા માટેના એકમાત્ર માર્ગ તખ્તસિંહજી રોડ પર પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓએ દુકાનો બંધ કરી રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો. દોઢ ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી વહી ગયા અને દુકાનોમાં પાણી ઘૂસતાં વાહનવ્યવહાર પર અસર થઈ.

સ્થાનિક વેપારીઓ મુજબ આ સમસ્યા છેલ્લા પંદરથી વીસ વર્ષથી યથાવત છે. ગયા વર્ષે નવી ગટર લાઇન અને ભુંગળાં નાખવા કરોડો રૂપિયો ખર્ચાયા છતાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થિતિ સુધરવા બદલે બગડી ગઈ છે.

દુકાનોમાં દોઢ ફૂટ જેટલું પાણી ભરાતાં માલસામાન બગડે છે અને ચોમાસામાં મહિના ચાર સુધી વેપાર પર સીધી અસર પડે છે. તખ્તસિંહજી રોડ પર પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો, દ્વિચક્રી ચાલકો લપસી પડવાના બનાવો બન્યા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વેપારીઓએ જણાવ્યું કે કલેક્ટર, કમિશનરથી લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિક ધારાસભ્ય અંગે પણ ઉદાસીનતાનો આક્ષેપ કરવામાં આવ્યો. મોરબી મહાનગરપાલિકા બન્યા પછી પણ પ્રાથમિક સુવિધાઓમાં સુધારો ન દેખાવાની વ્યથા વેપારીઓએ વ્યક્ત કરી.

વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી કે સામાન્ય વરસાદે જ આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, તો જો જૂનાગઢની જેમ પાંચથી દસ ઇંચ વરસાદ ખાબકે, તખ્તસિંહજી રોડ અને દુકાનોની દશા શું થશે? તે પ્રશ્ન ઊભો થાય છે.




















