
મોરબી શહેરમાં પડેલા વરસાદ બાદ ઠેરઠેર ભરાયેલા પાણીના ઝડપી નિકાલ અને રસ્તાઓની મરામત માટે મોરબી મહાનગરપાલિકાએ છ જુનિયર એન્જિનિયરની ટીમો ગઠિત કરી વોર્ડવાઇઝ કામગીરી શરૂ કરી છે. કંટ્રોલ રૂમ ચોવીસે કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે જેથી નાગરિકોની ફરિયાદોનો તરત પ્રતિસાદ આપી શકાય.

મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું કે પાણી ભરાવાની ફરિયાદોના તાત્કાલિક ઉકેલ માટે બનાવેલી છ ટીમોને બબ્બે-બબ્બે વોર્ડની જવાબદારી સોંપાઈ છે. ટીમો ક્ષેત્ર પર સક્રિય રહી ડીવોટરિંગ કરે છે અને એજન્સીઓ મારફતે જરૂરી પેચવર્કની કામગીરી પણ આગળ ધપાવી રહી છે.

કમિશનર સંગીતા રૈયાણીએ લાતી પ્લોટ વિસ્તારમાં સાત ઊભી અને ચૌદ આડી શેરીઓની સ્થળ મુલાકાત લીધી. તેઓ અંદાજે ત્રણ કલાક સુધી ત્યાં હાજર રહી ત્રણ રસ્તાઓની કામગીરી પૂર્ણ કરાવી.

તદુપરાંત તખ્તસિંહજી રોડ અને બસ સ્ટેન્ડ પાસે ભરાયેલા પાણીના નિકાલ માટે ડીવોટરિંગ પંપ મૂકીને કામગીરી શરૂ કરાઈ છે. આ વિસ્તારોમાં પાણીનો નિકાલ ટૂંક સમયમાં કરી દેવાની માહિતી આપવામાં આવી.

કમિશનર સંગીતા રૈયાણીએ નાગરિકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે શહેરમાં ચાલતા બાંધકામ અને કંજેશનને કારણે પાણી ઓસરવામાં થોડો સમય લાગી શકે, છતાં તંત્ર ચોવીસે કલાક સેવા માટે તત્પર છે અને સમસ્યાઓના વહેલા ઉકેલ માટે પ્રયત્નશીલ છે.




















